સ્વચ્છતા ઝુંબેશને મળશે બુલેટ ગતિ : સુરત મહાનગર પાલિકા ના કોર્પોરેટરોને સોંપાઈ મહત્વની જવાબદારી
મોર્નિંગ ન્યુઝ ફોકસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા ઝુંબેશને જનઆંદોલન બનાવવા માટે હાંકલ કરાઈ છે ત્યારે શહેરમાં મનપા કમિશનરની શાલીની અગ્રવાલ ની આગેવાનીમાં વહીવટીતંત્ર દ્વારા સર્વગ્રાહી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ માત્ર સરકારી કામ ન બની રહે અને તેમાં લોકો પણ જોડાય તેવા હેતું સાથે હવે સુરત મનપાના મેયર દક્ષેશ માવાણી દ્વારા નગરસેવકોની ટીમ બનાવી ટીમ પોતપોતાના વિસ્તારમાં કચરો થતો હોય તેવા સ્પોટ દુર કરવા ઝુંબેશ ચલાવે તેવું આયોજન કરાયું છે.
જેમાં દરેક ઝોનમાં એક એક સિનિયર નગર સેવકને સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દરેક વોર્ડના ચારેય નગર સેવકો વચ્ચે વોર્ડને ચાર ભાગમાં વહેંચી દઇને દર રવિવારે આ નગર સેવકો 20- 20 સોસાયટીઓની મનપાના સબંધિત કર્મચારીઓને સાથે રાખી મુલાકાત લઇ ત્યાંના લોકોને જ્યાં ત્યાં કચરો નહીં કરવા તેમજ કચરાગાડીમાં જ કચરો અપાવવા જાગૃત કરશે. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતુ કે, હવે નગરસેવકો અને ભાજપનું શહેર સંગઠન પણ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે. વિપક્ષને પણ તેમાં જોડાઇને ઝુંબેશ ચલાવવા અપીલ કરાશે.