સુરત : શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસ માંથી મળશે મુક્તિ : પાલિકા-પોલીસનો સંયુક્ત એક્શન પ્લાન
પાલિકાની દરેક ઢોર પાર્ટી સાથે હવે પોલીસ બંદોબસ્ત પણ રહેશે.
શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા પાલિકા - પોલીસે હાથ મિલાવ્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેર જાણે રખડતા ઢોરોનો તબેલો બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સુરત મહાનગરપાલિકાએ રખડતા ઢોર પકડવા માટે હવે પોલીસ સાથે હાથ મિલાવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નાસૂર બની ગઇ છે . હાઇકોર્ટમાંથી મળી રહેલી ફટકારને પગલે સરકારી તંત્ર ઉપર દબાણ વધી રહ્યું છે . જેને પગલે પાલિકાએ હવે કડકાઇથી કામગીરી લેવાનું નક્કી કર્યું છે . રખડતા ઢોરના નિયંત્રણ માટે પોલીસ અને પાલિકાએ હાથ મિલાવ્યા છે . પાલિકાની પ્રત્યેક ઢોર ડબ્બા પાર્ટી સાથે પોલીસ બંદોબસ્ત માટે વિશેષ વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે . રખડતા ઢોરની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો અપાવવા તાજેતરમાં પાલિકા અને પોલીસ વચ્ચે એક સંકલન બેઠક યોજાઇ હતી .
સંકલન બેઠકમાં અનેક મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી . રખડતા ઢોર નિયંત્રણ માટે પોલીસે ઝોન દીઠ નાયબ પોલીસ કમિશનરની નોડેલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે . પાલિકાના પ્રત્યેક ઝોનમાં બબ્બે સ્પેશ્યલ ટીમોની રચના કરવામાં આવી છે . રખડતા ઢોર પકડતી વખતે પાલિકાની ટીમ ઉપર અવારનવાર હુમલાઓ થઇ રહ્યાં હોવાના બનાવો ભૂતકાળમાં નોંધાયા છે . અધિકારી કર્મચારીઓની સુરક્ષા અને સલામતીને મુદ્દે કોઇ ચૂક નહીં રહે તે માટે વિશેષ પ્લાનિંગ કરાયું છે . જેના ભાગરૂપે પોલીસ અને પાલિકાના કર્મચારીઓએ ટીમ બનાવી એકબીજાના મોબાઇલની પણ આપ - લે કરી દેવાઇ છે .
અત્યાર સુધી ઢોર પકડવાની કામગીરી માટે પાલિકા દ્વારા પહેલા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવતો હતો . બંદોબસ્ત મળ્યા બાદ કામગીરી કરવામાં આવી રહી હતી . હવે પોલીસ પાલિકાની ટીમ સાથે અગાઉથી જ તહેનાત રહેશે . સ્થળ ઉપર કામગીરી દરમિયાન પોલીસ કર્મચારીની હાજરી વચ્ચે માહોલ તંગ બને તે સમયે પોલીસ કર્મચારી દ્વારા જ વધુ બંદોબસ્તની માંગણી કરી લેવામાં આવશે . આ માટે તેઓ જે તે ઝોન વિભાગના નોડલ અધિકારી અથવા નાયબ પોલીસ કમિશનરનો સીધો સંપર્ક કરશે . જેને પગલે પાલિકા તંત્રને કામગીરી બાબતે મોટી રાહત થઇ છે . આવનારા દિવસોમાં પાલિકા અને પોલીસ સાથે મળી શહેરના રસ્તા ઉપર બેફામ ફરી રહેલા પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલી આપશે . તેવો પાલિકા તંત્રે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .