સુરતના વેસુમાં મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રાહિમામ : અધિકારીઓના આંખ આડા કાન, આરોગ્યમંત્રીને કરાશે ફરિયાદ

સુરતના વેસુમાં મચ્છરોના ઉપદ્રવથી રહીશો ત્રાહિમામ : અધિકારીઓના આંખ આડા કાન, આરોગ્યમંત્રીને કરાશે ફરિયાદ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત  : હાલમાં શિયાળાની ઋતુ પૂર્ણ થઈને ઉનાળાની ઋતુ શરૂ થવાની છે ધીમે ધીમે ઠંડીનો ચમકારો થઈ ગયો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સુરતના કેટલાક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધી રહ્યો છે જેને પરિણામે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે છતાં પણ સુરત મહાનગરપાલિકાના કેટલાક બેજવાબદાર અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવો ઘાટ ઘડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ના વેસુ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વેસુ વિસ્તારમાં vip road, ભગવાન મહાવીર કોલેજ તેમજ આજુબાજુની સોસાયટીઓના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. પરંતુ આજ સુધી સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના કર્મચારીઓ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.અઠવા ઝોનના જવાબદાર અધિકારીઓ આ બાબતે જાણે અજાણ હોય તેમ વર્તી રહ્યા છે. કારણ કે હજુ સુધી આ વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ ફોગીંગ કરવામાં આવ્યું નથી જેને પરિણામે મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે.

તો વળી સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સુમન ભાર્ગવ પ્રધાનમંત્રી આવાસ માં ફિલ્ટર પ્લાન્ટમાં મચ્છરોના ઝુંડ જોવા મળતા હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદો સામે અઠવા ઝોનના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. બીજી બાજુ જ્યારે ડેન્ગ્યુનો ઉપદ્રવ વધતા હોય છે ત્યારે આ જ અધિકારીઓ પૂંછડી પટપટાવતા ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતા હોય છે. ત્યારે સ્થાનિક રહીશોની ફરિયાદ મળવા છતાં પણ આ અધિકારીઓ કોના આશીર્વાદથી કુંભકર્ણની નિદ્રામાં સૂઈ રહ્યા છે? આ અંગે સ્થાનિક રહીશો દ્વારા આરોગ્ય મંત્રીને પણ ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે આ અધિકારીઓ 'તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તબેલા ના તાળા મારવા નીકળશે ' કે કેમ ?