સુરત : SMCના વિરોધ પક્ષના નેતા સહિત AAP ના કોર્પોરેટરો અને કાર્યકરોની શા માટે કરાઈ અટકાયત? સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી સામે કોણે લગાવ્યા ગંભીર આરોપ?
આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા હાલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ ની કામગીરી કરાઈ રહી છે ત્યારે પોલીસે એકાએક સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા સહિત નગરસેવકોની અટકાયત કરી તેનો અર્થ શું ? પોલીસની કામગીરી સામે નગરસેવક પાયલ બેન સાકરીયાએ ઉઠાવ્યા સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : સુરત આમ આદમી પાર્ટી દ્વારા થોડાક સમય અગાઉ આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણી ના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને "ઇન્જેક્શન આપો, નહિ તો રાજીનામુ આપો" એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત આજે સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી તેમજ અન્ય કોર્પોરેટરો ની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જેને લઇને આમ આદમી પાર્ટીના નેતા દિનેશ ભાઈ કાછડીયાએ ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી પર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
દિનેશભાઈ કાછડીયા એ આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના ઈશારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર દ્વારા પોતપોતાના મતવિસ્તારમાં કોવિડ આઈસોલેશન સેન્ટર્સ ખોલીને જનતાની સેવા કરવાનું ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે.
કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ વાદ-વિવાદમાં પડ્યા વગર આઈસોલેશન સેન્ટરમાં સેવા કરી રહ્યા છે ત્યારે સુરતના લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે ખુબ જ લોકપ્રિયતા મળી રહેલ છે. લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની સેવાઓ વખાણી રહ્યા છે.આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા જોઈને સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના પેટમાં તેલ રેડાયું અને આઈસોલેશન સેન્ટર્સ પર સેવા કરતા કોર્પોરેટને બદનામ કરવાના ઈરાદાથી વરાછા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનો નોંધીને વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટર્સની ધરપકડ કરી છે. સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીની રાજકીય દાદાગીરી વધી રહી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને સેવા કરતા રોકવાના બદઈરાદે સી.આર.પાટીલના રાજકીય ઈશારે વિરોધપક્ષના નેતાની ધરપકડ કરાઈ છે.