આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ

આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ

 Mnf net work  :FM Radio: બહુલ આદિવાસી ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ રેડિયો પ્રસારણનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક (BIND) યોજના હેઠળ દાહોદમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૦ કિલો વોટના એફએમ રેડિયો સ્ટુડિયો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ખાતમુહૂર્ત કરશે.

દાહોદ ખાતે શરૂ થનાર ૧૦ કિલોવોટ એફએમ સ્ટેશન લગભગ ૫૫ કિ.મી. ત્રિજ્યા વિસ્તારોને કવરેજ કરે તેવુ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં આ ટ્રાન્સમીટર આંશિક રીતે અલીરાજપુર અને ઝાબુઆ સહિત મધ્ય પ્રદેશના સરહદી આદિવાસી જિલ્લાઓમાં પણ કવરેજ પ્રદાન કરશે. દાહોદના નવા સ્ટેશન પરથી ૨૫ લાખથી વધુ વસ્તી એફએમ પ્રસારણ મેળવી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં ૨૬ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન છે. ૨૬ સ્ટેશનોમાંથી અમદાવાદ, આહવા, ભુજ, ગોધરા, હિંમતનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત નવ કેન્દ્રોમાં સ્થાનિક સ્તરે કાર્યક્રમનું નિર્માણ થઇ શકે તેવો સ્ટુડિયો ધરાવે છે.

અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદ, દ્વારકા, જામનગર, કેવડીયા, ખંભાળિયા, મહેસાણા, મોડાસા, પોરબંદર, રાધનપુર, સુરેન્દ્રનગર, થરાદ, વલસાડ અને વેરાવળ ખાતે ૧૦૦ વોટના એફએમ રિલે સ્ટેશનો કાર્યરત છે. હાલના ૨૫ એફએમ ટ્રાન્સમિટર્સ રાજ્યના લગભગ ૪૮ ટકા વિસ્તારોને આવરી લઇ રાજ્યની લગભગ ૫૮ ટકા વસ્તી સુધી પહોંચી રહ્યા છે.

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને અમદાવાદ, આહવા, ભુજ, હિંમતનગર અને રાજકોટથી કાર્યરત ૬ મેગાવોટ ટ્રાન્સમીટર દ્વારા આકાશવાણી સેવાઓ દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

એફએમ કવરેજને વધુ વધારવા માટે, ૫ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની BIND યોજના હેઠળ દાહોદ (૧૦ કિલોવોટ), ભુજ (૨૦ કિલોવોટ), ભાવનગર (૫ કિલોવોટ), દ્વારકા (૧૦ કિલોવોટ) અને ડીસા (૧૦૦ વોટ) ખાતે એફએમ ટ્રાન્સમિટર્સ મંજૂર કરવામાં આવ્યા છે.