સુરતના કતારગામ કે વરાછામાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુબાપાનું સ્મારક બનાવવાની કોણે કરી માંગ ?

સુરતના કતારગામ કે વરાછામાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુબાપાનું સ્મારક બનાવવાની કોણે કરી માંગ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  સુરતનો કતારગામ અને વરાછા વિસ્તાર માં મોટાભાગે સૌરાષ્ટ્ર ના લોકો વસવાટ કરે છે. જો કે સુરતનો વિકાસ પણ આ સૌરાષ્ટ્રના લોકોની સાહસિક વૃત્તિ ને આભારી છે. સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના પાટીદારો વસવાટ કરે છે. ત્યારે ભાજપના ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના સૌથી વધુ લોકચાહના ધરાવતા લોકનેતા એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનીનું સ્મારક કતારગામ અથવા વરાછા વિસ્તારમાં સુરત પાલિકાની હદમાં બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શ્રી સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ વિચાર સમિતિ દ્વારા આજે સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા અને વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના નેતા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સુરતના કતારગામ અથવા વરાછા વિસ્તારમાં સુરત પાલિકાની હદમાં સ્વર્ગસ્થ શ્રી કેશુ બાપા નું સ્ટેચ્યુ મૂકવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

આવેદન પત્રમાં શુ લખવામાં શુ માંગણી કરાઈ ?

ગુજરાત રાજ્યના ભાજપ પક્ષના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જેઓ ગુજરાતના ગામડાઓને પોતાનું હૃદય માનનારા હતા. ગુજરાતના ખેડૂતોના મસિહા અને લોકહિતના સચોટ નિર્ણય કરનાર દીર્ઘદ્રષ્ટા હતા. તેમની સરકારમાં થયેલા કામો કુંવરબાઈનું મામેરું યોજના, ટ્રેક્ટર ને બળદ ગાડા નો દરજ્જો આપી ટોલટેક્સ મુક્તિ જેવા નિર્ણય, ત્યારબાદ આઠ કિલોમીટર નો કાયદો હટાવી ગુજરાતને વિકાસની દોડમાં ભારતમાં અગ્રેસર લાવનાર, ત્યારબાદ નર્મદાના નીર ખેડૂતોના ગોરીયા સુધી પહોંચાડી અઢારે વરણનું દિલ જીત્યું.

આવા લોક નેતાઓને જ્યારે યાદ કરીએ ત્યારે દરેક ગુજરાતી ની છાતી ગજગજ ફૂલે છે. અનેક પ્રજાહિતના ઐતિહાસિક નિર્ણયોને લઈને કેશુભાઇ પટેલ ગુજરાતના છ કરોડ લોકોના દિલમાં વસી ને અમર થયા છે. પોતાના અંતિમ શ્વાસ સુધી જેણે ગુજરાતના હિતની ચિંતા કરી છે એવા કેશુબાપા રાજનેતા નહીં સાચા લોકનેતા હતા જેમને આવનારી પેઢીઓ પણ યાદ કરતી રહે એ માટે સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં કતારગામ કે વરાછા વિસ્તારમાં લોકનેતા શ્રી કેશુભાઈ પટેલનું મોટું સ્મારક બને તે માટે શ્રી સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ વિચાર સમિતિ દ્વારા રજુઆત કરાઈ હતી.