સુરત : કતારગામમાં ભાજપના પૂર્વ નગર સેવકો સામે કઈ સમસ્યાઓને લઈ મતદારોમાં છે નારાજગી ?

સુરત : કતારગામમાં ભાજપના પૂર્વ નગર સેવકો સામે કઈ સમસ્યાઓને લઈ મતદારોમાં છે નારાજગી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવતા જ હવે રાજકીય પક્ષો પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે અને મતદારોને મસમોટા વચનો આપીને મતબેંક ને આકર્ષવા માટેના સઘન પ્રયત્નો હાથ ધરી રહ્યા છે ત્યારે ભાજપના શાસનમાં ખરેખર કેટલો વિકાસ થયો કે પછી વિકાસના નામે માત્ર અને માત્ર લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા તેને લઈને મતદારો પોત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. જેમાં સુરતના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર ગંદકી અને પૂરતું પાણી નહીં મળવાની સમસ્યાઓ સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના વોર્ડ નંબર 7 કતારગામ-વેડમાં નારાયણ નગર, ધનમોરા, આંબા તલાવડી, લલિતા ચોકડી, નાની વેડ- મોટી વેડ આ મુખ્ય વિસ્તારો છે. જેમાં લોકોને અનેક સમસ્યાઓ છે. આ કેટલાક વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાને લઈને ઘણો અસંતોષ જોવા મળ્યો હતો. વિશેષ કરીને પ્રેશરથી પાણી ન મળવું, ગંદકી અને રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર સ્થાનિક કોર્પોરેટરને તેમજ અધિકારીઓ અને પ્રજા દ્વારા રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

અત્રે નોંધનીય છે કે સુરતના નગરપાલિકાના પૂર્વ મેયર પણ આ જ વિસ્તારના હતા. જો કે મેયરને પણ અનેકવાર આ વિસ્તારની સમસ્યાઓને લઈને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવતી હતી છતાં પણ સત્તાધીશો દ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવતા હતા. જોકે રસ્તાઓને લઈને પણ આ વિસ્તારમાં ખૂબ મોટી સમસ્યા રહી છે. અહીં અવારનવાર રસ્તાઓનું ખોદકામ સતત ચાલુ રહેવાને પરિણામે રસ્તાઓ ઉબડ ખાબડ જોવા મળે છે. એટલું જ નહીં વારંવાર સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં સત્તાધીશોએ અત્યાર સુધી આંખ આડા કાન કર્યા છે ત્યારે હવે એ સત્તાધીશો ફરીથી મતબેંક ઊભી કરવા માટે લોકોને કેવી રીતે મૂર્ખ બનાવશે તે જોવું રહ્યું !