સુરત : કોવિડ સેન્ટરો માટે 30 જેટલી સંસ્થાઓ તૈયાર : જાન્યુઆરીના અંત સુધીમાં કોરોના કેસોની સંખ્યા કેટલી હોઈ શકે ? આંકડા જાણી લાગશે મોટો ઝટકો
કલેકટર અને મ્યુનિ . કમિશ્નરનો સ્મીમેર તેમજ સિવિલના સત્તાધીશોને સીધો સવાલ : બંને હોસ્પિટલમાં પુરતો સ્ટાફ , ઇન્ફ્રાસ્ટ્રકટર છે તો રિપોર્ટ આપવામાં વિલંબ કેમ થાય છે ?
પાલિકા કમિશનર અને કલેકટરે સત્તાધીશ તબીબૉને ખખડાવી નાખ્યા : RTPCR રિપોર્ટ 24 કલાકમાં દર્દીને મળી જવો જોઈએ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.એક જ દિવસમાં કોરોના સંક્રમણના જ નવા કેસમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે . પાલિકાના આરોગ્ય વિભાગના મોડલ મુજબ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ત્રીસ હજારને પાર કરી જશે . આજના નવા સંક્રમિતોની સાથે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૧૯૨૩ થઇ છે .
શહેરમાં કોરોના વાઇરસનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો છે .ત્યારે શહેરમાં કોરોના મહામારીની ત્રીજા તબક્કાની લહેરને ધ્યાને રાખીને બુધવારે મુગલીસરા ખાતે કોવિડ કેર આઈસોલેશન સેન્ટરનું સંચાલન કરનાર અંદાજે ૩૦ જેટલી સંસ્થા અને સમાજના અગ્રણીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આ સંસ્થાઓને આગામી ત્રીજા તબક્કાની લહેર દરમિયાન આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચી વળવા વધુ એક વખત કોવિડ કેર આઈસોલેશન સેન્ટર શરૂ કરવા મહાનગર માટે અપીલ કરવામાં આવી હતી.
જાન્યુઆરીના અંત સુધીમાં કોરોના સંક્રમણ પીક પર પહોંચશે . ૨૬ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે એમ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું.જો કે હાલની વધતી જતી કોરાના કેસોની સ્પીડ ને જોતા જાન્યુઆરીના અંત સુધીમાં એક્ટિવ કેસ ૩૦ હજારને પાર કરી જશે . અત્યારે એક્ટિવ કેસ પૈકી ફક્ત ત્રણ ટકા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . એક્ટિવ કેસ ત્રીસ હજારને પાર કરે તેવા સંજોગોમાં પાંચ ટકાથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા ઊભી થઇ શકે . આ સ્થિતિને પહોંચી વળવા માટે સ્મીમેર અને નવી સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોને તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે .
પાલિકા દ્વારા આજરોજ ૨૩ હજાર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું . પોઝિટિવિટી રેટ હાલમાં સાડા નવ ટકા છે જે જાન્યુઆરીના અંતે ૨૫ ટકા થાય તેવી શક્યતા છે . જાન્યુઆરીના અંત સુધીમાં ટેસ્ટિંગ વધારીને ૩૨ હજાર સુધી લઇ જવાશે . રોજના છથી સાત હજાર નવા કેસો નોંધાય તે સ્થિતિ માટે તૈયારી રાખી હોસ્પિટલ , ધન્વંતરી રથ , સંજીવની રથ , દવા તથા ટેસ્ટિંગ કિટ સહિતનાં સાધનોનો સ્ટોક રાખવામાં આવ્યો છે . હાલમાં ૯૫ ટકાથી વધારે દર્દીઓ ઘરે જ સારવાર લઇને સાજા થઇ રહ્યા હોવાથી ત્રીજી લહેરમાં હોસ્પિટલ બેડ કે ઓક્સિજનની બૂમ પડી નથી .