રૂપાણી સાહેબ ! ગુજરાતને કોરોનાથી બચાવવું હોય તો 14 દિવસનું લોકડાઉન કરો, જાણો કોણે પત્ર લખી કરી માંગ

રૂપાણી સાહેબ ! ગુજરાતને કોરોનાથી બચાવવું હોય તો 14 દિવસનું લોકડાઉન કરો, જાણો કોણે પત્ર લખી કરી માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં કોરોના ને કારણે સ્મશાનોમાં લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. તેમ જ લોકોને સંજીવની સમાન ગણાતા ઇન્જેક્શનો પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. એમ્બ્યુલન્સવાન વ્યસ્ત છે. તો ઓક્સિજન અને વેન્ટિલેટર નથી. એવી વિકટ પરિસ્થિતિમાં જો આ કોરોના સંક્રમણ અટકાવવું હોય તો ગુજરાતમાં ૧૪ દિવસનું lockdown કરવામાં આવે એવી માગણી પબ્લિક સર્વન્ટ દિનેશભાઈ અણઘણે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.

દિનેશભાઇ અણઘણે મુખ્યમંત્રીને લખેલો પત્ર.....

પ્રતિ, 
શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ, 
મુખ્યમંત્રી,
ગુજરાત રાજ્ય

વિષય : વૈશ્વિક કારોના ના કહેરને ધ્યાને લઈ ૧૪ દિવસ નું લોક ડાઉન આપવા બાબતે...
         જય ભારત સાથ જણાવવાનું કે હું સુરત શહેર માં ઉપરોકત નામ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને ખેતીવાડી કરી મારું ગુજરાન ચલાવું છું. આપ સાહેબશ્રી ને મારી નમ્ર અરજ છે કે હાલ સુરત શહેર માં કોરોના ની મહામારી એ ખૂબ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે હાલ છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓ ને કોઈપણ હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા મળી રહી નથી. જો જગ્યા મળે તો ઓક્સિજન અને વેન્ટિલેટર ની અછત ના કારણે સુવિધા મળી રહી નથી. દર્દી ને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ હોસ્પિટલે રખડવું પડે છે. અધૂરામાં પૂરું દર્દીઓને આપવા માટેનું જરૂરી ઇન્જેક્શન ની પણ ખૂબ મોટી અછત ઊભી થઈ છે. આ બધી મુશ્કેલીઓ માંથી પસાર થયા પછી જો સ્મશાને જવાનું થાય તો ત્યાં પણ વેઇટિંગમાં ઊભુ રહેવું પડે છે. 

   આપ સાહેબશ્રી ને એક વાત ચોક્કસ જણાવવા માંગીશ કે હોસ્પિટલમાં જગ્યા મેળવવા માટે રાજકારણીઓ, મંત્રી-સંત્રી કે પછી ઉદ્યોગપતિઓ ના આશરે જવું પડે છે. જો હોસ્પિટલોમાં જગ્યા જ ન હોય તો આ મહાનુભાવો ને ફોન કરાવવાથી જગ્યા કઈ રીતે થઈ જાય છે તે ચોક્કસ વિચાર માંગીલે તેવી બાબત છે. છેલ્લા ઘણા દિવસોથી રેમડેસીવીર ઇન્જેક્શન ની અછત વચ્ચે ગુજરાત ની જનતા ખૂબ મોટી મુશ્કેલી અનુભવી રહી છે. 

   મારા માનવા મુજબ ફક્ત સુરત શહેર માં જ રોડ ઉપર એવા ૧૦,૦૦૦ થી પણ વધારે લોકો બીન રોક-ટોક ફરી રહ્યા છે કે જેને પોતાને ખબર નથી કે તે પોતે કોરોના સંક્રમિત થયા છે. આવા લોકો જાહેર જનતા માટે એક વિસ્ફોટક બોમ્બ સમાન છે એ પણ વાત ધ્યાને લેવી જરૂરી છે.
આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે કે જો આપ ગુજરાત ની જનતાને અને કોરોના સંક્રમિત દર્દીઓ ને બચાવવા માંગતા હોય, કોરોના ઉપર કાબુ મેળવવા માંગતા હોવ તો તત્કાલિન ગુજરાતમાં 14 દિવસ નું સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવું ખૂબ જ આવશ્યક છે.