FactCheck : 14 થી 21 માર્ચ સુધી શાળા, કોલેજો બંધ રાખવાના સમાચારોને લઈ SMC કમિશ્નરે કર્યો મોટો ખુલાસો, જાણો શુ કહ્યું ?

FactCheck : 14 થી 21 માર્ચ સુધી શાળા, કોલેજો બંધ રાખવાના સમાચારોને લઈ SMC કમિશ્નરે કર્યો મોટો ખુલાસો, જાણો શુ કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના કુલ 810 કેસ નોંધાયા છે. સૌથી વધુ પ્રકોપ સુરતમાં જોવા મળ્યો છે. માત્ર સુરતમાં જ 24 કલાકમાં 241 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરની બે પ્રાથમિક સ્કૂલ અને એક કોલેજમાં 20 વિદ્યાર્થીઓ પણ કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. જેથી આ શૈક્ષણિક સંસ્થાઓ બે અઠવાડિયા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

118 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ મહાનગરોમાં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં કોરોના ટેસ્ટિંગ કરાતા કેટલીક શાળાઓ માંથી વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખીને ઓનલાઇન શિક્ષણ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખાનગી શાળા સંચાલકો દોડતા થયા હતા.અત્રે નોંધનીય છે કે શાળાઓ ખૂલ્યા સમયથી લઈને અત્યાર સુધીમાં 118 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

14 માર્ચ રાત્રે કેમ શાળાના આચાર્યો શિક્ષકોની ફોનની ઘંટડીઓ રણકવા લાગી ?

તો બીજી બાજુ ગઈકાલે સાંજે 14 માર્ચથી 21 માર્ચ સુધી તમામ શાળા-કોલેજો બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો હોવાના સમાચારો ટીવી સ્ક્રીન શોટ સાથે ફરતા થયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ વ્યાપ્યો હતો. જેથી શાળા કોલેજના આચાર્યો ના ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી.

SMC કમિશ્નર બાંછનિધિ પાનીએ કર્યો મોટો ખુલાસો

જો કે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની ને આ ટીવી સ્ક્રીનશોટ મોકલી ને સમાચારોની ખરાઈ કરાતા બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આવા કોઈ પણ પ્રકારના સમાચાર હમણાં પ્રાપ્ત થયા નથી. અર્થાત શાળા-કોલેજો 14 માર્ચથી 21 માર્ચ સુધી બંધ રાખવાનો કોઈ આદેશ નહીં કરાયો હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મોર્નિંગ ન્યુઝ ફોકસ ને જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે જે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા એ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં બર્ફીવાલા કોલેજ સહિત અન્ય બે શૈક્ષણિક સંસ્થાઓને બે અઠવાડિયા માટે બંધ રખાઈ છે.