સુરતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી : 50 જેટલા ગ્રામજનોએ જીવ ગુમાવ્યા બાદ NHAI એ લીધો મોટો નિર્ણય

સુરતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી : 50 જેટલા ગ્રામજનોએ જીવ ગુમાવ્યા બાદ NHAI એ લીધો મોટો નિર્ણય

50 થી વધુ ગ્રામજનોએ જીવ ગુમાવ્યા બાદ હાઈવે ઓથોરિટી જાગી.

સ્થાનિક ધારાસભ્ય ઝંખના પટેલ દ્વારા અવારનવાર નેશનલ હાઇવે ઓથોરિટીને અંડરપાસ અથવા ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરાઇ હતી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતના સચિનથી મગદલ્લા વચ્ચે નેશનલ હાઇવ પર આવેલા ગભેણી , બુડિયા , આભવા અને ખજોદ ગામની ચોકડી પાસે સર્જાતા ગંભીર અકસ્માત નિવારવા NHAI ઓવરબ્રિજ બનાવશે .સચિન - મગદલ્લા રોડ પર આવેલા ગામોમાંથી નીકળતાની સાથે જ હાઇ વે આવેલો છે . રોજિંદા કામકાજ માટે ગ્રામજનોએ દિવસમાં અનેક વખત હાઇવે ઓળંગીને જવાની ફરજ પડે છે .

સ્કૂલ , કોલેજ , બેંક કે અન્ય કોઇપણ કામગીરી માટે જતાં લોકો ઘણી વખત પુરપાટ દોડતા વાહનોને અડફેટે ચઢી જાય છે . અવારનવાર અકસ્માત થતાં હોવાથી ગ્રામજનોએ ગભેણી , ખજોદ , બુડિયા અને આભવા ગામ પાસે હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવ્યા હતા . આ સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ અકસ્માતની સંખ્યા ઘટી ગઇ છે . તેમાં પણ જીવલેણ અકસ્માત તદ્દન ઘટી ગયા છે . જોકે , સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ આ ગામ નજીકથી વાહનો ધીમા પસાર થતાં ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઇ છે . દરમિયાન અકસ્માત અને ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે ગ્રામજનોની સાથે સ્થાનિક સંસ્થા અને ધારાસભ્ય ઝંખના પટેલ દ્વારા અવારનવાર નેશનલ હાઇવે ઓથોરિટીને અંડરપાસ અથવા ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરાઇ હતી

આ ચાર ગામની ચોકડી પર અત્યાર સુધીમાં ૫૦ થી વધુ ગ્રામજનોએ જીવ ગુમાવ્યા છે . જ્યારે કેટલાક લોકોને ગંભીર ઇજા થઇ છે . ત્યારે સ્થાનિક લોકોની સાથે ધારાસભ્ય ઝંખના પટેલ છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા હતા . તેઓની આ રજૂઆતને ધ્યાને લેતાં NHAI એ ગભેણી , બુડિયા , આભવા અને ખજોદ પાસે ઓવરબ્રિજ બનાવવા નિર્ણય લેવાયો છે . ગુરુવારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી . આ બેઠકમાં સચિન - મગદલ્લા હાઇવે પરના ચારેય ગામ પાસે બ્રિજ બનાવવા NHAI એ ગ્રીન સિંગ્નલ આપી દીધું હતું .