સુરતના મેયરની માસ્કના દંડ અંગેની સસ્તી પ્રસિદ્ધિનો ફિયાસ્કો, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ લેવાશે : પોલીસ કમિશ્નર
મેયરે સસ્તી પ્રસિદ્ધિ માટે ઉતાવળે જાહેરાત કરી કે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ નહિ વસુલાય પણ માસ્ક આપવામાં આવશે, માસ્ક પહેરાવવામાં આવશે.
મેયરની જાહેરાત હાઇકોર્ટના આદેશની વિરુદ્ધમાં
પોલીસ કમિશ્નરે કરી સ્પષ્ટતા કે પોલીસ માસ્કનું વિતરણ પણ કરશે પણ ન પહેરનાર પાસેથી દંડ પણ લેવાશે જ.
મેયર શરૂઆતથી જ વિવાદોમાં રહ્યાં છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ભાજપના નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ લેવાની એક પણ તક ચૂકતા નથી જેની પ્રતીતિ કરાવતો કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં સુરત પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને માસ્ક પહેરાવવાનો અભિગમ અપનાવવા નું નક્કી કરવામાં આવ્યું હતું. જે માનવીય અભિગમને રાજકીય પ્રસિદ્ધિ બનાવવા માટે સુરત ના મેયર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે મારે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી હવે મહાનગરપાલિકાના અધિકારીઓ કે પોલીસ દંડ વસુલશે નહીં. જોકે આ જાહેરાત થતાની સાથે જ એક નવો વિવાદ શરૂ થયો હતો.
કારણકે હાઇકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ નિર્ણયને રાજ્ય સરકાર પણ બદલી શકતી નથી તો પછી સુરત ના મેયર આવી જાહેરાત કેવી રીતે કરી શકે ?જો કે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા મેયરના આ નિર્ણયને શરૂઆતથી જ વિવાદાસ્પદ ગણાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આજે સવારે મેયરને જ્યારે પૂછવામાં આવ્યું કે માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી અધિકારી ઈચ્છે તો દંડ વસૂલી શકે કે નહીં ? ત્યારે મેયરે એનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને ગોળ ગોળ દલીલો કરી હતી.
જોકે માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં નહીં આવે એવી મેયરની આ જાહેરાતથી લોકોમાં એક ખોટો મેસેજ ગયો હતો. ત્યારે આજે સુરત પોલીસ કમિશ્નરે તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ તો વસૂલવામાં આવશે જ. પરંતુ પોલીસ એક માનવીય અભિગમ અપનાવવા જઈ રહી છે, જેમાં લોકોને પોલીસ દ્વારા માસ્ક આપવામાં આવશે તેમજ માસ્ક પહેરવવાની ફરજ પણ પાડવામાં આવશે. લોકોને ખોટી રીતે કોઈપણ પ્રકારની કનડગત ન થાય તે જરૂરી છે. પરંતુ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ લેવામાં પણ આવશે જ. આમ પોલીસ કમિશ્નરે મેયર દ્વારા સસ્તી પ્રસિદ્ધિ માટે કરાયેલી રાજકીય જાહેરાતની સ્પષ્ટતા કરી હતી. જેથી લોકોમાં ગેરસમજ ઊભી ન થાય અને લોકો અવશ્ય માસ્ક પહેરીને જ બહાર નીકળે.