સુરતમાં આપે કર્યા ભાજપના ભૂંડા હાલ : ભાજપના 6 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ !

સુરતમાં આપે કર્યા ભાજપના ભૂંડા હાલ : ભાજપના 6 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ !

આપ ને 27 બેઠકો આપી પાટીદારોએ પાટીલની ક્લીન સ્વીપ ને અટકાવી 

પરિણામોમાં ભાજપે ભલે સુરતને કોંગ્રેસ મુક્ત કર્યું પણ આપે વિરોધ પક્ષમાં એન્ટ્રી મારતાં ભાજપના કૌભાંડીઓની ચિંતા વધી

સુરતમાં વિધાનસભા, લોકસભા બાદ હવે કોર્પોરેશન માંથી પણ કોંગ્રેસ ગાયબ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગઈકાલે આવેલા છ મહાનગર પાલિકાના પરિણામોમાં ભાજપની ભવ્ય જીત તો થઈ પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ગઢમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડયું છે. જોકે સુરતમાં આમ આદમી પાર્ટીની 27 સીટો ઉપર ભવ્ય જીત થઇ છે અને 27 સીટ પર થયેલી જીત સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી મારતા હવે ભાજપને છુપો ભય સતાવવા લાગ્યો છે. જેની પ્રતીતિ ગઈકાલે સી આર.પાટીલના ભાષણમાં જોવા મળી હતી.

ગઈ કાલે જ્યારે ભાજપના સત્તાના જીતના નશામાં ચૂર નેતાઓ વિજ્યોત્સવ મનાવી રહ્યા હતા ત્યારે પાટીલે પોતાના ઘરમાં જ મોટું ગાબડું પડ્યું હોવાનું આડકતરી રીતે કબૂલતા જણાવ્યું હતું કે, " સુરતમાં ક્યાક થાપ ખાઈ ગયા છીએ. સુરતમાં આપ ઘુસી ગયુ છે, જેથી સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે જે અમારા માટે પીડાદાયક છે. અમે કોંગ્રેસને હરાવવામાં પડ્યા હતા. પરંતુ આપ ખોટા વચનો આપીને જીતી છે. પણ જીત એ જીત છે અને હાર એ હાર છે. સુરતમા આપની એંટ્રી થઈ છે, પરંતુ જોઈશુ એમની સાથે કેવી રીતે શું કરવુ?"

જો કે સ્પષ્ટ વકતા સી આર પાટીલ ભલે જાહેર સભામાં એમ બોલતા હોય કે સોનાની થાળીમાં ખીલો વાગ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અગાઉના ભાજપના શાસકોએ તેમના શાસનમાં કેટલા કૌભાંડ કર્યા છે એ જગજાહેર છે. જોકે સુરત મહાનગરપાલિકા ના અગાઉના શાસકોએ ભાજપને 'કૌભાંડી પાર્ટી' નું બિરુદ અપાવ્યું એમ કહીએ તો પણ ખોટું નથી.1995 થી સુરતમાં શાસન કરતી ભાજપના 6 જેટલા આમ આદમી પાર્ટી સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઇ હોવાના અહેવાલો છે.