અમરોલી બ્રિજ પર રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓની ખેર નથી : ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી લાલ આંખ

અમરોલી બ્રિજ પર રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓની ખેર નથી : ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી લાલ આંખ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતના સૌથી નાની વયના પ્રશંસનીય કામગીરી કરનાર ગૃહ મંત્રી સતત લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું ઝડપી નિરાકરણ લાવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે તાજેતરમાં સુરતના અમરોલી બ્રિજ પર સર્જાઈ રહેલી ટ્રાફિકની અવ્યવસ્થા અંગે ગૃહ મંત્રી ના કાર્યાલયને જાણ કરવામાં આવતા તરત જ ગૃહ મંત્રી કાર્યાલયથી સુરત પોલીસ ને ટ્રાફિક નિયમન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ગૃહ મંત્રીના કાર્યાલયથી સૂચના મળતાની સાથે જ સુરત પોલીસ દ્વારા અમરોલી બ્રિજ પર આજે વહેલી સવારે સાત વાગ્યાથી જ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર થોડાક દિવસ પહેલા સામાજિક કાર્યકર  દ્વારા ગૃહ મંત્રી કાર્યાલય સુરત સ્થિતને જાણ કરવામાં આવી હતી કે અમરોલી બ્રિજ પર વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે જેને લઈને મોટો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.

જેનો એક વીડિયો પણ ગૃહ મંત્રી કાર્યાલયને મોકલવામાં આવ્યો હતો. સમગ્ર સ્થિતિ અંગેના સમાચારો મેળવ્યા બાદ ગૃહ મંત્રી કાર્યાલય માંથી સુરત પોલીસને તાત્કાલિક આ અંગે સૂચના આપવામાં આવી હતી અને સવારે સાત થી નવ દરમિયાન અહીં જે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેના માટે પોલીસ જવાનો તૈનાત કરાયા હતા .જેને લઈને આજે વહેલી સવારથી જ અમરોલી બ્રિજ પર ચાર જેટલા પોલીસ જવાનો જોવા મળ્યા હતા .જે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને પ્રેમથી સમજાવીને યોગ્ય દિશામાં વાળતા હતા. આમ ગૃહ મંત્રી દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ હતી.