Exclusive : સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવાયેલા શૌચાલયોની કિંમત જાણીને તમે ચોકી જશો : કૌભાંડ થયાનો આપ નેતાનો આક્ષેપ

Exclusive :   સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવાયેલા શૌચાલયોની કિંમત જાણીને તમે ચોકી જશો : કૌભાંડ થયાનો આપ નેતાનો આક્ષેપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  સ્વચ્છતા સહિત અનેક બાબતોમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર સુરત મહાનગરપાલિકા કૌભાંડી શાસનનો પણ પર્યાય બની રહી છે. સમયાંતરે સુરત મહાનગર પાલિકાના અનેક કૌભાંડો ઉજાગર થયા છે જેને લઇને ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાની ઇમેજને મોટો ધક્કો પહોંચ્યો છે. એમાંય ખાસ કરીને કચરાપેટી કૌભાંડ, પીવાના શુદ્ધ પાણીની બોટલ નું કૌભાંડ, ઇન્જેક્શન કૌભાંડ, કચરાપેટી કૌભાંડ, કુતરા ખસીકરણ કૌભાંડ સહિતના અનેક કૌભાંડો ને કારણે ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકા બદનામ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શૌચાલયમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરાતા એકવાર ફરીથી સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અત્રે નોંધનીય છે કે જ્યારથી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ની જીત થઈ છે ત્યારથી ભાજપ શાસિત મહાનગરપાલિકાના કૌભાંડો સહિત સરકારી તંત્રમાં ચાલતી લાલીયાવાડી એક પછી એક ઉજાગર થઇ રહી છે. જોકે તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ઓનલાઇન સત્રને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ૩૦૦ કરોડના કૌભાંડનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણીએ સૌચાલય માં પણ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણી એ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયની રૂબરૂ મુલાકાત લઈને બહાર થી સુંદર દેખાતા સૌચાલય અંદરથી કેટલાક તકલાદી છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એટલું જ નહીં સુરત મહાનગર પાલિકા સામે આક્ષેપ કર્યોછે કે 1-2 લાખ રૂપિયામાં તૈયાર થતા શૌચાલય ને 27.5 લાખ થી માંડીને 40 લાખ રૂપિયા સુધીમાં બનાવવામાં આવી રહ્યા હોવાનો આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી માં ચોંકાવનારો ખુલાસો થયો છે.  સમગ્ર સુરત ના તમામ શૌચાલયના કૌભાંડ નો હિસાબ કરીએ તો અંદાજિત 6 થી 7 કરોડ નું કૌભાંડ થવા જઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

તુષાર મેપાણી એ જણાવ્યું છે કે, સ્વચ્છ ભારત ની ગુલબાંગો વચ્ચે જે શૌચાલય બનાવવામાં આવ્યા છે તેમાં પાણી નથી આવતું  અને ફક્ત 2 યુરિનલ છે જે ટોટલ 1 -2  લાખ માં બની જાય પણ આવા 5 શૌચાલય બનાવવા કતારગામ ઝોને 1.23 કરોડ નો ખર્ચ કર્યો છે. શનિદેવ ઓઇલ મિલ ની સામે આવેલ શૌચાલય 40 લાખ માં બનાવ્યું છે. જયારે હકીકત એ છે 40 લાખ માં 200 વાર ના બંગલા નું 3 માળ નું બાંધકામ થઇ જાય. આવો ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર કોણે આપ્યો મનપા ને? 

અત્રે નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત મોટાભાગના શૌચાલયો માં પારાવાર ગંદકી હોય છે. એટલું જ નહીં પરંતુ કેટલાક જાહેર શૌચાલયોમાં દારૂની કોથળીઓ પણ જોવા મળતી હોય છે. વળી સ્વચ્છ ભારત મિશનના નામે બનાવેલા શૌચાલયો અંદરથી જોવામાં આવે તો કોઈપણ પ્રકારના ઠેકાણાં હોતા નથી. ત્યારે માત્ર સ્વચ્છ ભારતના નામે વાહવાહી મેળવવા પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે કરવામાં આવતો  દૂર ઉપયોગ કેટલે અંશે યોગ્ય ગણાય? એને લઈને પણ વિચારશીલ નગરજનોમાં તર્ક-વિતર્ક થવા લાગ્યા છે.

વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો.