હાસ્યાસ્પદ બન્યું ગુજરાત મોડેલ :લ્યો બોલો ! આ શહેરમાં શિક્ષકોને સ્મશાન ગૃહમાં મૃતદેહોની નોંધણી કરવાની જવાબદારી સોંપાઈ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતમાં કોરોના ને પરિણામે બગડી રહેલી પરિસ્થિતિને નાથવામાં રાજ્યનું આરોગ્ય તંત્ર ક્યાંકને ક્યાંક ઉણું ઊતરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દેશના ભવિષ્ય ની જવાબદારી જેમના માથે છે એવા શિક્ષકોને હવે સ્મશાન માં આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી સોંપી ને આ સરકારે ગુજરાત મોડેલ ને બદનામ કરવામાં હવે જાણે કંઈ જ બાકી રાખ્યું ન હોય તેવી સ્થિતિ સર્જી નાખી છે.
રાજ્યમાં ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશનના તમામ કર્મચારીઓને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં શિક્ષકોને કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા. ધનવંરી રથ સાથે જવાનું, સર્વેની કામગીરી, અનાજ વિતરણની અનેક કામગીરી કરવાના આદેશ થયા હતા, જે ફરજના ભાગરૂપે શિક્ષકોએ નિભાવી હતી અને શહેર પર આવી પડેલી મુશ્કેલીમાં પોતાની રીતે ફરજ અદા કરવા માટે તત્પરતા દાખવી હતી. ત્યારે સ્મશાનની કામગીરી સોંપાતાં શિક્ષકો અવઢવમાં મુકાયા છે.
સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યારસુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવતા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે. જોકે શિક્ષકો દ્વારા સંઘના હોદ્દેદારો ને આ બાબતે જાણ કરવામાં આવી છે.