સુરત : કોરોના વિસ્ફોટ વચ્ચે ભાજપના કોર્પોરેટરે નાના બાળકોના જીવ જોખમમાં મૂકી યોજ્યો કાર્યક્રમ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસના ધજાગરા
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કેસો નું પ્રમાણ વધતાં મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના નેતાઓને કોઈપણ પ્રકારના સમારંભો નહીં જોવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. છતાં પણ ભાજપના નેતાઓ છાકટા બનીને મનફાવે તેમ કાર્યક્રમો યોજી રહ્યા છે અને પોતાના સાથે સાથે અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ સુરતના ભાજપના એક મહિલા નેતા દ્વારા નાના બાળકોનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો મોટાભાગે અભાવ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સુરત કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના નાના-મોટા વેપારીઓને પણ રાત્રીના સમયે પોતાની દુકાનો બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે ભાજપના કોર્પોરેટર કૈલાશબેન સોલંકી દ્વારા આંતરરાષ્ટ્રીય હેપ્પીનેશ ડેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે 50 જેટલા બાળકોને ભેગા કર્યા હતા.
એટલું જ નહીં આ કાર્યક્રમમાં અનેક લોકો માસ્ક વગરના તો દેખાયા ઉપરાંત સોશિયલ સિસ્ટન્સનું નામ સુદ્ધા ન હોતું. તાજેતમાં જ ચૂંટણીના તાયફાઓ પૂરા થયા છે. અને હાલ કોરોના વિસ્ફોટની સ્થિતિ ઉભી થઈ છે. તેની વચ્ચે બાળકોને એકત્ર કરીને આ પ્રકારના કાર્યક્રમ વિશે તો તંત્ર જ જવાબ આપી શકે છે. જોકે સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ રહી છે આમ જનતાને મોટા મોટા દંડ ફટકારવામાં આવી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓ સામે શું તંત્ર કોઈ પગલા ભરશે કે પછી માત્ર નિયમો આમ જનતા માટે જ બની રહેશે ?