સુરત : કોરોનામાં જિંદગી દાવ પર લગાવી AAP ના નગર સેવકો ટ્રાફિક નિયમન માટે રસ્તા પર ઉતર્યા : ભાજપના નગર સેવકો ક્યાં ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વર્બલ મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રાજ્યો દ્વારા રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવે છે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ ને એક અનુરોધ કર્યો હતો કે રાત્રિ કરફ્યુ 9 અથવા 10 વાગ્યા પછી લગાવવામાં આવે અને સવારે પાંચ અથવા છ વાગે એને પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને કોઇપણ પ્રકારની અગવડનો સામનો ન કરવો પડે.
ત્યારે નોંધનીય છેકે ગુજરાતમાં રૂપાણી સરકારે જ્યારે કોરોના ના કેસો માં અતિશય ઉછાળો જોવા મળી રહ્યો છે, લાશોના ઢગલા સ્મશાનોમાં જોવા મળી રહ્યા છે ત્યારે માત્ર અસરકારક પગલાં ભરવાને બદલે રાત્રે આઠ વાગ્યાથી કર્ફ્યુ લાદી દીધો છે. જેને પરિણામે સુરત જેવા મહાનગરોમાં રાત્રિના સમયે જબરજસ્ત ટ્રાફિક સમસ્યા સર્જાય છે. લોકો પરેશાન થઇ રહ્યા છે. પરંતુ વડાપ્રધાનની સલાહ બાદ પણ સરકાર આ દિશામાં કોઈ વિચાર કરીને રાત્રી કર્ફ્યુ ના સમયમાં ફેરફાર કરશે કે કેમ તે જોવું રહ્યું !
બીજી બાજુ સુરતમાં પોલીસ તંત્ર ટ્રાફિક નિયમન કરવાને બદલે ટ્રાફિક ના નામે માત્ર અને માત્ર દંડ ઉઘરાવવામાં જ સતત વ્યસ્ત રહેતું હોય છે. ત્યારે રાત્રિના સમયે જ આઠ વાગ્યા કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે તેને લઈને સુરતના વિવિધ વિસ્તારોમાં જબરદસ્ત ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ ગઈકાલે વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહીને ટ્રાફિક નિયમન કર્યું હતું પરંતુ પોલીસ સુધ્ધાં અહીં ટ્રાફિક નિયમન માટે ફરકી ન હતી.
જોકે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 93 નગરસેવકો ચૂંટાયા છે. જેઓ જીત્યા પછી પૂનમના ચાંદની માફક જોવા મળતા હોય છે. એટલું જ નહીં સુરતમાં ભાજપના ધારાસભ્યો પણ કોણ જાણે ક્યાં કામગીરી બજાવી રહ્યા છે તે સમજાતું નથી. માત્રને માત્ર સુરતના સૌથી નાની વયના યુવાન ધારાસભ્ય હર્ષ સંઘવી કોવિડની મહામારીમાં જે કામગીરી કરી રહ્યા છે તે ક્યાંક પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ ન કરી શકે એવી મહત્વની તેઓ ભૂમિકા અદા કરી રહ્યા છે. જ્યારે બાકીના નેતાઓ માત્ર લોકોના મત મેળવ્યા પછી મતદારો પ્રત્યેની તેમની જવાબદારી કદાચ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
જોકે આમ આદમી પાર્ટીના 23 નગરસેવકો ગ્રાઉન્ડ લેવલ ઉપર કાર્ય કરી રહ્યા છે. ગઈકાલે સુરત સિવિલમાં ઇન્જેક્શન ને લઈને જે અંધાધૂંધી સર્જાઈ હતી ત્યારે નગરપાલિકાના આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સિવિલ ની મુલાકાત લીધી હતી અને લોકોને જરૂરી ઉપયોગી મદદ પણ કરી હતી. સાથે સાથે ઇન્જેક્શન માટે લોકોની જે લાંબી કતારો જોવા મળી હતી તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ માંગ કરી હતી કે સરકાર દ્વારા એક સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે જેથી લોકોને ઇન્જેક્શન માટે લાંબી કતારોમાં ઊભા રહેવું ન પડે. અત્રે નોંધનીય છે કે કેટલાક લોકો દ્વારા એવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે સુરત મહાનગરપાલિકા ના નગરસેવકો ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે . પણ હકીકત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં યોજાનાર મહાપાલિકાની ચૂંટણી કોરોના ની કપરી પરિસ્થિતિમાં મુલતવી રાખવા માટે ચૂંટણી પંચને પત્ર લખીને માગણી કરવામાં આવી છે. પરંતુ ભાજપ આ ચૂંટણી યોજવાની તરફેણમાં છે.