ગૃહમંત્રી હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી : કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો

ગૃહમંત્રી હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી : કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો

આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ દરમિયાન તેમણે ખેડામાં પથ્થરમારાને લઈને પ્રતિક્રિયા આપી હતી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય લૉ એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે, ત્યારે ખેડામાં બનેલી ઘટનાને લઇ તેમણે જણાવ્યું હતું કે ખેડાના દ્રશ્યો આપણે જોયા નવરાત્રીનો તહેવાર શાંતિથી ઉજવાઈ રહ્યો છે, મંદિર પર માતાજીના ભક્તો ગરબે રમી રહ્યા છે. ત્યારે કોઈ સમાજ દ્વારા નહીં પરંતુ ગામની અસામાજિક ટોળકી દ્વારા ગામની શાંતિ ભંગ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, 'હું એવું માનું છું કે ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે.'

અત્રે નોંધનીય છે કે, ખેડા જિલ્લાના માતરના ઉંઢેરા ગામમાં નવરાત્રીના પર્વમાં વિધર્મી આરોપીઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ગરબા રમી રહેલા ખેલૈયાઓ પર અંદાજિત 150 લોકોના ટોળાંએ પથ્થરમારો કરતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઇને લઈ સ્થિતિ ન વણસે એ માટે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઇને  10થી 11 લોકોની અટકાયત કરી લીધી હતી.

પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરીને આરોપીને ઉંઢેરા ગામે લવાયા હતા.  જ્યાં પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં કાયદાના પાઠ ભણાવ્યા હતા. ખેડા LCBના PIની સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમા પોલીસે આકરી કાર્યવાહી કરી જાહેરમાં લોકો પાસે માફી મંગાવી હતી. તો બીજી તરફ પોલીસની આકરી કાર્યવાહીને લઇને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને લોકોએ તાળીઓ પાડી પોલીસની કામગીરીને બિરદાવી હતી.