સુરત મહાનગર પાલિકા ના મેયર માત્ર શોભાના ગાઠીયા સમાન ? AAP નેતા ગોપાલ ઇટાલિયાએ શુ કર્યો ગંભીર આક્ષેપ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારથી ગુજરાતની ગાદી ઉપર આરૂઢ થયા ત્યારથી કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા સતત તેમના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે મુખ્યમંત્રી પોતાના નિર્ણયો જાતે લઇ શકતા નથી. જોકે ઘણી વખત એવું બને છે કે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો માં છેવટે પીછેહઠ કરવી પડી છે જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક દિલ્હીના ઈશારે જ મુખ્યમંત્રીએ કેટલાક નિર્ણયો લેવા પડતા હોય છે.
જોકે તાજેતરમાં સુરતમાં મેયર તરીકે નવ નિયુક્ત થયેલા હેમાલી બોઘાવાલા મેયર બનતાની સાથે જ વિવાદમાં સપડાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરત મહાનગર પાલિકા એ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચાલી રહી છે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ હાલમાં સુરતના મેયર કોરોના પોઝિટિવ આવતાં જ હોમ આઇસોલેશન થઈ ગયા હતા. 'કાગનું બેસવું અને ડાળનું ભાગવું' ની જેમ નગરજનોમાં એવી ચર્ચા ચાલી હતી કે વિવાદો સર્જવા ને કારણે જાણી જોઈને મેયરને હોમ isolation પણ કરાયા હોઇ શકે છે. જોકે તાજેતરમાં ઓનલાઇન યોજાયેલું સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રમાં પણ મેયર ઓનલાઈન સત્ર હોવા છતાં પણ ઉપસ્થિત રહ્યા ન હતા.
સુરતના મેયર હેમાલી બોઘાવાલા જયારથી મેયર પદે નિયુક્ત થયા ત્યારથી જ તેઓ વિવાદમાં રહ્યા છે. શરૂઆતમાં તેમણે માસ્ક ના નામે હાઈવે પર ચાલકો સામે જે પોતાનો મેયરપદ નો રોફ જમાવ્યો તેને લઈને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા અને ભાજપની ઇમેજને ધક્કો પહોંચ્યો હતો. એટલું જ નહીં ત્યાર બાદ સુરતના મેયર એ એવો નિર્ણય જાહેર કર્યો કે હવે પછી માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી મહાનગર પાલિકાના કર્મચારીઓ કે પોલીસ દંડ વસુલશે નહીં. જોકે મેયર કદાચ એ વાતથી અજાણ હશે કે આ નિર્ણય તેમના પાવર માં આવતો નથી, છતાં પણ તેમણે આવો નિર્ણય જાહેર કરતાં તરત જ ગાંધીનગરથી ઘંટડીઓ રણકી ઊઠી હતી અને છેવટે સુરતના પોલીસ કમિશનરે તેનો ખુલાસો કરવાની નોબત આવી હતી. આમ વિવાદોમાં સપડાયા બાદ એકાએક મેયર કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ isolation માં ચાલ્યા ગયા.
બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ઓનલાઇન બજેટ સત્ર નો આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ સખત વિરોધ કર્યો. જેમાં પોલીસ દ્વારા આ નગરસેવકોની અટકાયત પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટરો સાથે નિર્લજજતા ભર્યું વર્તન પણ કરવામાં આવ્યું. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા એ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.જેમાં આ નગરપાલિકા સી.આર.પાટીલ દ્વારા ચાલતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પાલિકાના ૩૦૦ કરોડના કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા માટે ઓનલાઇન બજેટ સત્ર યોજાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.