સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયોએ ચર્ચા જગાવી : સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષ નેતાનો વિરોધ કરવાની નોબત કેમ આવી ?

સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયોએ ચર્ચા જગાવી :   સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષ નેતાનો વિરોધ કરવાની નોબત કેમ આવી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા & સુના સો ચુના ) :  ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી ધીમે ધીમે ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી હતી. જેમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨૭ જેટલા આમ આદમી પાર્ટીના નગરસેવકો ચૂંટાયા હતા. જોકે ચૂંટાયેલા આ નગરસેવકોએ પોતાની અસરકારક કામગીરીથી માત્ર સુરતીઓને જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના લોકોને પ્રભાવિત કરી દીધા જેને લઇ હવે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકજુવાળ ઉભરી રહ્યો છે.

જોકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના hometown સુરતમાં ભાજપ બેકફૂટ પર ધીમે ધીમે આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિવસે દિવસે સુરતમાં વધી રહી છે. જેના પાછળ નગરપાલિકામાં ચૂંટાયેલા 27 નગરસેવકોની કામગીરીને કારણભૂત માનવામાં આવી રહી છે. જોકે તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ઓનલાઇન બજેટ સત્રનો આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ એવો જોરદાર વિરોધ કર્યો હતો કે છેવટે ભાજપે મોઢું સંતાડવા નો વારો આવ્યો હતો.

જોકે ભાજપ સત્તામાં હોઇ પોલીસ પાવરનો ઉપયોગ કરીને નગરપાલિકાના આ 27 વિપક્ષ નગરસેવકો સાથે એવું બેહુદુ વર્તન કરાવ્યું કે જેની માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ટીકા થઈ રહી છે. કારણ કે આ પોલીસ દ્વારા મહિલા નગરસેવકો સાથે એવું નિર્લજ્જતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જેના અનેક વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. તો બીજી બાજુ સુરત મહાનગરપાલિકા જાણે સી.આર.પાટીલ દ્વારા જ ચલાવવામાં આવી રહી હોય એવો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો અને મહાનગરપાલિકાએ પોતાના કૌભાંડો બહાર ન આવે તે માટે ઓનલાઇન બજેટ સત્ર યોજાયું હોવાના આક્ષેપો થયા હતા.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાઇરલ થયો છે જેમાં એવું કહેવાય છે કે કેટલાક લોકો ભેગા મળીને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા નું પૂતળા દહન કરી રહ્યા છે. જોકે ગોપાલ ઇટાલીયાનું પૂતળા દહન કરનાર આ લોકો ભાજપના કાર્યકરો હોવાનું આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે. ત્યારે હવે વિચારવા જેવી વાત એ છે કે શું ભાજપ એટલુ બધો બેકફૂટ પર આવી ગયું છે કે સત્તાધારી પક્ષ હોવા છતાં તેને વિપક્ષનો વિરોધ કરવાની નોબત આવી ગઈ છે ? જો કે વીડિયોમાં ગોપાલ ઇટાલીયા નું પૂતળું બાળનાર ભાજપના શાસકો છે કે કેમ તે અંગે જો પોલીસ દ્વારા ખરાઇ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે છે.