આક્ષેપબાજી / મેયર અને ભાજપનો ખુદ ભાજપનાં મહિલા નેતાએ જ કર્યો વિરોધ : AAP નેતાએ કહ્યું, ' રાજનીતિ કરવાનો આ સમય છે ?'

આક્ષેપબાજી / મેયર અને ભાજપનો ખુદ ભાજપનાં મહિલા નેતાએ જ કર્યો વિરોધ : AAP નેતાએ કહ્યું, ' રાજનીતિ કરવાનો આ સમય છે ?'

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) :  હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સામાન્ય રીતે કોઈપણ પ્રકારની સામાજિક ધાર્મિક કે રાજકીય મેળાવડાઓ ઉપર કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ભાજપના નેતાઓએ આજે બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં જે વિરોધ પ્રદર્શન કર્યું તેની સામે ખુદ ભાજપના જ નેતાએ વિરોધ દર્શાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે સુરતમાં વિરોધ પ્રદર્શનમાં ગયેલા મેયર નો પણ વિરોધ થતાં મેયરે ચાલતી પકડવી પડી હતી. સોશિયલ મીડિયામાં પણ ભાજપના આ વિરોધ પ્રદર્શન સામે અનેક સવાલો ઉઠયા છે.

સુરત ભાજપના મહિલા નેતા કોમલ પટેલે ભાજપ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેની આકરી ટીકા કરતા તેમના ફેસબુક પેજ પર લખ્યું છે કે, ' કેન્દ્રમાં ભાજપ ની સરકાર છે.બંગાળમાં કાયદો વ્યવસ્થાનો હવાલો હજુ ગઇકાલ સુધી રાજ્યપાલ પાસે હતો, તો પછી ભાજપ વિરોધ કોનો કરે છે ? ધરણા કોની વિરુદ્ધ માં કરે છે ?'

આ ઉપરાંત કોમલ પટેલે વિરોધ પ્રદર્શનમાં ગયેલા મેયર ની વિરુદ્ધ ટીપ્પણી કરતા લખ્યું છે કે, ' લોકો મરે છે ને મેયર વિરોધ કરવા નીકડયાં છે, શરમ આવવી જોઇએ, રેમડેસીવીર મલતા નથી એનું કરો, ખોટી પ્રસીધ્ધી જોઇએ છે. આવનાર સમયમાં આજ થવાનું છે, ભાજપના જ કાર્યકર્તા ભાજની વિરોધમાં આવી ગયા.ભાજપ વાળાઅત્યારે હોદ્દા ની લહાણી કરે છે, કેહવુ પડે હો.....ને ફેસબુક ઉપર અભિનંદન ની લાઇન લાગી છે, અભિનંદન આપવા વાળાને પણ શરમ આવવી જોઇએ. આ સમય છે અભિનંદન પાઠવવાનો....એ તો જેના ઘરનો મોભી જાયને એને જ ખબર હોય. આ જાડી ચામડી વાળા ના સમજી શકે.'

તો વળી આમ આદમી પાર્ટીનો નગરસેવક પાયલ સાકરીયા એ પણ લખ્યું છે કે, ' કોરોના માં લોકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે રાજનીતિ કેટલી યોગ્ય? હું કોઈ હિંસા ને સમર્થન નથી કરતી પણ બંગાળ ના રાજકારણ ને લઈને ગુજરાત માં હાલ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવા કેટલા યોગ્ય કહેવાય? હાલ કોરોના ની સ્થિતિ ને કાબુ માં લાવવા નો અને જેમ બને એમ લોકો ને બચાવવા નો સમય છે અત્યારે થાય એટલી લોકો ની સેવા કરવા નો સમય છે રાજનીતિ તો પછી પણ થશે.'