સ્વર્ગમાં ઇન્દ્ર, ભારતમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર : સી.આર.પાટીલનું આ સ્વપ્ન હવે પૂર્ણ થશે ખરું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : નરેન્દ્ર મોદીના ગુજરાત મૉડલની બદનામ કરવામાં કાંઈ બાકી ન રાખનાર વિજય રૂપાણીને હાંકી કાઢી નવા મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ના નામની ભાજપે ગુજરાતની જનતાને મોટી સરપ્રાઇઝ આપી દીધી છે. જોકે ભુપેન્દ્ર પટેલ બેઠકમાં પાછલી હરોળમાં બેઠા હતા ત્યાં જ તેમના નામની જાહેરાત થતાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ કે જેઓ મુખ્યમંત્રીના સ્વપ્ન છેલ્લા બે દિવસથી જોઈ રહ્યા હતા તેમના ચહેરાના રંગ ઊડી ગયા હતા.
ભુપેન્દ્ર પટેલ ના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતા સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટો મારો શરૂ થયો હતો જેમાં એક કોમેન્ટ એવી ચાલી હતી કે, ' સ્વર્ગમાં ઇન્દ્ર ભારતમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભુપેન્દ્ર '. જોકે ભુપેન્દ્ર પટેલ ના નામની મુખ્યમંત્રી તરીકેની જાહેરાત તેમના પત્નીને ટીવી દ્વારા જાણવા મળી હતી આમ ભાજપે ભુપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરીને માત્ર ભાજપના જ નહિ પરંતુ સૌ ગુજરાતીઓને ચોંકાવી દીધા હતા. ભુપેન્દ્ર પટેલ વ્યવસાયિક બિલ્ડર છે અને આજ સુધી તેમના દામન પર કોઈ એક દાગ લાગ્યો નથી. જોકે આનંદીબેન પટેલ કે જેઓ ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેમના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. આમ ભુપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરીને નરેન્દ્ર મોદી એ ક્યાંકને ક્યાંક અમિત શાહ સહિતના અનેક ભાજપના દિગ્ગજોને સંકેત આપી દીધો છે કે આખરે ગુજરાતમાં આનંદીબેન પટેલનું પલ્લુ ભારે રહેશે.
ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કદાચ એક સારા વહીવટકર્તા સાબિત થઇ શકે છે. પરંતુ સી આર પાટીલ નું ૧૮૨ બેઠકો મેળવવાનું 2022 ની ચૂંટણીનું જે સ્વપ્ન છે તે પૂર્ણ કરવામાં ખરા ઉતરશે કે કેમ એ સૌથી મોટો યક્ષપ્રશ્ન છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી દિન-પ્રતિદિન બળવાન બની રહી છે. ગુજરાતની જનતામાં પણ રૂપાણીના શાસનમાં ભાજપ પ્રત્યે ખૂબ જ આક્રોશ જન્મ્યો છે જેને સમાવવા માટે ભૂપેન્દ્ર પટેલે અનેક મોટા નિર્ણય લેવા પડશે. પરંતુ જો ભુપેન્દ્ર પટેલ પણ રૂપાણી ની જેમ જ એક રબર સ્ટેમ્પ નેતા બનીને રહેશે તો પાટીલનું 182 સીટ નું સ્વપ્ન પૂર્ણ કરવું અઘરું સાબિત થશે.
બીજી બાજુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર લાંબી ક્યાંકને ક્યાંક હવે હાંસિયામાં ધકેલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અગાઉ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ને પડતા મુકી સી આર પાટીલને કાર્યભાર સોંપાયો હતો. હવે રાજકોટ માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વિજય રૂપાણીને પડતા મૂકી મધ્ય ગુજરાતના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સોપાયો. જોકે પાટીદારોને ખુશ કરવા માટે અને આમ આદમી પાર્ટી તરફથી ઢળી રહેલી પાટીદારોની મતબેંકને ભાજપ તરફ આકર્ષવા માટે ભાજપે ભુપેન્દ્ર પટેલ ને મતબેન્ક નું મોહરુ બનાવ્યું હોવાનું પણ રાજ્યનીતિના જાણકારો માની રહ્યા છે.