સુરત AAP નેતાનો મોટો આરોપ : કોરોના કાળમાં 1 રૂપિયો ટોકનથી જમીન મેળવનાર હોસ્પિટલોની દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરત શહેરમાં કોરોનાના કહેરમાં એક બાજુ સેવાયજ્ઞના ભાગ રૂપે ઠેર ઠેર કોવિડ કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયાં છે,ત્યારે બીજી બાજુ કેટલીક હોસ્પિટલો લોકોને મનફાવે એમ લૂંટી રહી છે.ત્યારે આમ આદમી પાર્ટીના SMC ના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ વાર્ષિક 1 રૂપિયાના ટોકન ભાવે જમીન મેળવનાર હોસ્પિટલો લૂંટ ચલાવી રહી હોવાનો આરોપ મૂકતા ખળભળાટ મચી ગયો છે.
AAP નેતા ધર્મેશ ભંડેરીએ આરોપ લગાવ્યો છે કે, 400 કરોડની લગડી જેવી જમીન મેળવીને કેટલીક હોસ્પિટલ સેવા નથી કરી રહી. કિરણ હોસ્પિટલ સામે તેમણે આરોપ મૂક્યો છે કે કિરણ હોસ્પિટલ દર્દીઓને મસમોટા બીલ ફટકારી રહી છે. સેવાભાવથી સુરત મનપા પાસેથી જમીન મેળવી મસમોટા બીલો ફટકારી વેપાર કરી રહી છે. કિરણ હોસ્પિટલ હોય કે મહાવીર હોસ્પિટલ તેમનો કબજો પાલિકા મેળવે અને રાહત દરે સેવા આપે તેવી માંગ ધર્મેશ ભંડેરીએ કરી છે.
સેવા ના ઉદેશ્યથી કરોડો રૂપિયાની જમીન મેળવનાર હોસ્પિટલ શરતભંગ કરતી હોય તેમની જમીન પાછી લેવા માંગ ધર્મેશ ભંડેરીએ કરી છે. ધર્મેશ ભંડેરીએ પાલિકા કમિશ્નરને પત્ર લખીને આ રજુઆત કરી છે. જોકે કોરોના ના કપરા કાળમાં ધર્મેશ પણ ડેરી દ્વારા લોકો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહેલી હોસ્પિટલો સામે નિશાન તાકવામાં આવતા રાજકારણ ગરમાયું છે.