ગોપાલ ઇટાલિયાએ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું વર્ણન : શુ સરકારના 1 હજાર કરોડના રાહત પેકેજથી આ ગરીબોના ઝુંપડા ફરી ઊભા થશે ખરા ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : તાજેતરમાં ગુજરાતમાં આવેલ વાવાઝોડા અને પરિણામે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી થઇ હોવાના અહેવાલો સમાચારોમાં ચમકી ગયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવાઇ નિરીક્ષણ કર્યું હતું.હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક હજાર કરોડનું રાહત પેકેજ ગુજરાત માટે જાહેર કર્યું હતું .એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજા દિવસે સૌરાષ્ટ્રના ઉના તાલુકાના કેટલાક ગામડાઓની મુલાકાત લીધી હતી.
જોકે હજુ સૌરાષ્ટ્રના આ વિસ્તારો કે જ્યાં વાવા જોડું લેન્ડફોલ થયું હતું. ત્યાંની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. સરકાર દ્વારા માત્ર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં આ લોકોની પાયાની જરૂરિયાતો હજુ પણ ઉપલબ્ધ થઇ રહી નથી. ખાસ કરીને પીવાના પાણીની પણ અહીંયા તંગી છે. તો વળી અનેક લોકોના મકાનો ધરાશયી થઇ ગયા છે. ત્યારે સમાલ એ ઉઠે છે કે શું સરકારે જાહેર કરેલ ૧૦૦૦ કરોડના રાહત પેકેજ માંથી ગરીબ લોકોના મકાનો ફરીથી બેઠા થઈ શકશે ખરા ?
જોકે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હાલમાં સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુલાકાત લઇ જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. ત્યારે તેમણે આ વિસ્તારની ખરેખર વાસ્તવિક સ્થિતિ કેવી છે તેને લઈને તેમના સોશિયલ મિડીયા પેજ ઉપર એક અહેવાલ રજૂ કર્યો છે
AAP ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો ફેસબુક પર અપલોડ કરેલ અહેવાલ.........
હું છેલ્લા ત્રણ દિવસથી રાજુલા, ખાંભા જાફરાબાદ, ઉના વિસ્તારમાં વાવાઝોડા અસરગ્રસ્ત ગામડામાં રાહત કામમાં લાગ્યો છું.
મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર યુવા પ્રમુખ પંકજ ધામેલીયા, સુરત સંગઠન મંત્રી રજની વાઘાણી, વોર્ડ નં-૧૬ કોર્પોરેટર જીતુ કાછડીયા, વોર્ડ નં-3 કોર્પોરેટર સોનલ સુવાગિયા, વોર્ડ નં-૧૭ કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને 50 યુવાનોની ટિમ સતત ત્રણ દિવસથી ગામડાઓમાં ૧૦ કિલોની રાશન કીટ, ફૂડ પેકેટ, પાણી બોટલ અને જરૂરિયાતમંદ વ્યક્તિને રોકડ સહાય પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
અહીંયા ઘણા કિલોમીટર સુધીના તમામ વીજળીના થાંભલાઓ ભાંગી ગયા છે, ટ્રાન્સફોર્મર્સ પડી ગયા છે. વીજળી વિભાગ કામે લાગી ગયો છે પરંતુ મારી દ્રષ્ટિ હજુ 10-15-20 દિવસ થઈ જાય લાઈટ આવતા, અથવા વહેલા પણ આવે. તમામ ગામડાઓમાં, રાજુલા સિટીમાં, ખાંભા સીટીમાં, જાફરાબાદ સીટીમાં, ઉના સિટીમાં તમામ જગ્યાએ અંધારપટ છે. અમુક ઊંચી પહાડી ઉપર કે કોઈ એવી જગ્યા ઉપર માંડ માંડ નેટવર્ક આવે છે બાકી ક્યાંય પણ નેટવર્ક આવતું નથી.
અહીંયાના લોકો માટી અને પથ્થરના બેલાથી ચણેલા વિલાયતી નળીયાવાળા કાચા મકાનોમાં જ રહે છે. વાવાઝોડાના કારણે મારી દ્રષ્ટિ લગભગ 90% કાચા મકાન નાશ પામ્યા છે. ગામડામાં જે માણસોના વર્ષો જુના માટીના મકાન પડી ગયા છે તે માણસો ફરીથી માટીવાળા મકાન પણ બનાવી શકે એવી આર્થિક હાલતમાં પણ નથી.
વાવાઝોડાના કારણે નળીયા અને પતરા ખુબ ઉડી ગયા છે. દરેક ગામમાં હજારોની સંખ્યામાં નળીયા તૂટી/ઉડી ગયા છે. આગળ ચોમાસુ આવતું હોવાથી અત્યારે લોકોને નળીયાની ખાસ જરૂર છે. જો કે ગામડાઓમાં સાંભળવા મળ્યું છે નળીયાનો અને પતરાનો ભાવ ડબલ થઈ ગયો છે. એક તબક્કે અમે નળીયાની સેવા પૂરી પાડવાનું વિચાર્યું અને આયોજન પણ કર્યું હતું, પરંતુ નળીયા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગોઠવાય તેવું શક્ય લાગ્યું નહિ. કેમ શક્ય ન લાગ્યું તે આગળ જણાવીશ..
અમારા અનુભવે જણાયું કે, લગભગ ગામના સરપંચોએ વાવાઝોડા પહેલા અને પછી એકંદરે ઘણી સારી કામગીરી કરી છે. હું પર્સનલી દરેક ગામમાં જઈને લોકોને સામુહિક રીતે બેસીને એમની જરૂરિયાત વિશે ચર્ચા કરતા લગભગ ગામમાં મુખ્ય બે સમસ્યાઓ જાણવા મળેલ જેમાં (૧) પીવાના પાણીની સમસ્યા, આ સમસ્યા લાઈટ ન હોવાના કારણે મોટર ચાલુ ન કરી શકવાને લીધે થઈ છે. (૨) અનાજ દળવાની સમસ્યા, આ સમસ્યા લાઈટને લીધે ઘંટી બંધ હોવાના કારણે થઈ છે.
જો અત્યાર સુધીમાં દરેક ગામોએ પોતપોતાની રીતે વ્યવસ્થા કરી છે જેમાં, ગામના જ કેટલાક સક્ષમ લોકોએ પોતાના ટ્રેકટર પાછળ જનરેટર બાંધીને ઘરે ઘરે લઈ જઈને લોકોને લાઈટ આપી પાણી ભરી લેવાની વ્યવસ્થા કરી આપેલ છે. બીજા કિસ્સામાં છકડો ટેમ્પો સાથે કે ટ્રેકટર સાથે કનેક્ટ કરીને લોકોએ પોતાની ઘંટી ચાલુ કરીને અનાજ દળવાની વ્યવસ્થા કરી છે. જો કે પાણીની સમસ્યા તો ખુબ જ છે અને ઘંટી ઉપર લાંબી લાંબી લાઈનો છે.
જો કે આ બંને વ્યવસ્થામાં ક્યાંક ક્યાંક એવું પણ ધ્યાને આવ્યું છે કે, દળવાના કે પાણી ભરવાના વધુ પૈસા લેવામાં આવે છે તેમજ પક્ષપાત કરવામાં પણ આવે છે. કદાચ એક ટ્રક નળીયાનો લાવીએ તો ખરા પણ ગામમાં કોણ વધુ જરૂરિયાતમંદ છે એ જાણવાનો આધાર ગામના જ બોલકા વ્યક્તિઓ હોય અને એમાં મારી દ્રષ્ટિએ યોગ્ય જગ્યાએ નળીયા પહોંચે એવું લાગ્યું નહિ. છતાંય હજુ નળિયાની બાબતમાં SoP વિચારી રહ્યા છીએ જો શક્ય બને તો..
ખેડૂતોને ખેતરોમાં કરોડો રૂપિયાનું નુકશાન ગયું છે તેમજ માલધારીઓના ઘેંટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પણ વાવાઝોડામાં ઉડી ગયા છે અથવા દિવાલ પડતા દબાઈ ગયા છે અથવા અન્ય રીતે મરી ગયા છે.
મારી અંગત દ્રષ્ટિએ કહું તો અત્યારે જો જેમનું કાચું મકાન પડી ગયું અથવા તૂટી ગયું તે તમામ વ્યક્તિને તાત્કાલિક ધોરણે 50,000 થી 1,00,000 રોકડ રૂપિયાની જરૂર ગણાય. આ સિવાય જો સરકાર નળીયા અને પતરાની કાળાબજાર થતું અટકાવે તો ગામડાના ગરીબ માણસને ખૂબ જ રાહત મળે એમ છે. જો કે માજી બુટલેગરો જ્યાં ઈન્જેક્શનોના કાળાબજાર કરતા હોય ત્યાં નળીયા અને પતરા જેવી ચીજ તો મામુલી છે.
હું એવા કેટલાય લોકોને મળ્યો જેઓ મને (એટલે કે કોઈપણ બહારના વ્યક્તિને) જોઈને રડવા લાગ્યા અને પોતાની વેદના ઠાલવવા લાગ્યા. જે લોકો પાસે પોતાના જીવનની કિંમતી ચીજ એક કાચું માટીનું નળીયાવાળું મકાન જ હતું એ લોકો ખુબ દુઃખી છે. મેં ખુબ પીડિતો સાથે બેસીને, શાંતિથી વાત કરીને, આશ્વાસન આપવાનું અને હિંમત આપવાનું અને સાંત્વના આપવાનું કામ કર્યું.
જો કે હું દરેક ગામમાં ગયો અને ચાલતા ચાલતા આખા ગામમાં ફર્યો, બધાને મળ્યો.. અમારી આમ આદમી પાર્ટીની ટિમ પણ આવી રીતે ગામડે ગામડે જાય છે. અમારા બધાનો એક અનુભવ એવો રહ્યો છે કે, દરેક ગામમાં લોકો અમને જોઈને એમ કહે છે હજુ સુધી કોઈ ભાજપ-કોંગ્રેસવાળા ડોકાવા (ખબર પૂછવા) પણ આવ્યા નથી, તમેં સૌથી પહેલા આવ્યા. વાસ્તવિકતા એ છે કે, આજે 22/05/2021 ના રોજ પણ હજારો ગામડા એવા છે જ્યાં કોઈ સરકારી માણસ કે પાર્ટીનો માણસ નથી પહોંચ્યો ત્યાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અનાજ અને રાશન કીટ, ફૂડ કીટ, પાણી બોટલ લઈને પહોંચ્યા છે.
અમારી ટીમને ૧૦ કિલો વજનવાળી રાશન કીટ માટે સૌથી વધુ મદદ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અજિતભાઈ લોખીલ અને શ્રી રાજભા ઝાલા દ્વારા આમ આદમી પાર્ટી રાજકોટ ટિમ દ્વારા મળ્યો છે તેમજ સુરતના કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણઘણ અને કોર્પોરેટરશ્રીઓ, સુરત શહેર પ્રમુખ શ્રી મહેન્દ્ર નાવડીયા અને સુરત આમ આદમી પાર્ટી ટિમ દ્વારા મળ્યો છે. અત્યાર સુધીમાં 5000 કીટ વિતરણ થઈ ચૂક્યું છે.