ઊંઝા : એશિયાની સૌથી મોટી APMC માં ચેરમેન પદની નિયુક્તિ મુદ્દે ધારાસભ્ય અને સાંસદસભ્ય એ શું કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી માં ચૂંટણી પૂર્ણ થઈ ગયા ને અનેક મહિનાઓ વિતવા છતાં પણ આજે કોણ જાણે કેમ એપીએમસી માં ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી નથી. જેને કારણે ખેડૂતો અને ગંજ બજારના વેપારીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના કેટલાક પ્રશ્નો આજે પણ વણ ઉકેલ્યા છે. જોકે આ મુદ્દે થોડાક સમય અગાઉ ખેડૂતોએ જંગ છેડવાનું નક્કી કર્યું હતું પરંતુ સામ, દામ દંડ અને ભેદભરી નીતિ અપનાવીને વેપારીઓ અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે એપીએમસીની ચૂંટણીમાં ભાજપની જ પેનલ વિજેતા બની છે છતાં પણ હજુ ચેરમેનની નિયુક્તિ થઈ નથી. તો બીજી બાજુ આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ આ મુદ્દે મૌનસેવીને બેઠા છે. ત્યારે તેમનું આ અકળ મૌન એ ક્યાંક ને ક્યાંક વિજેતા બનેલી પેનલ ની વિરુદ્ધ દિશામાં હોય તેવું છડે ચોક ચર્ચાઈ રહ્યું છે.
જો ખરેખર ધારાસભ્ય અને સાંસદ સભ્ય પોતાના વિસ્તારના ખેડૂતો અને વેપારીઓનું ભલું ઈચ્છતા હોય તો તેમણે સરકારમાં જઈને ધારદાર રજૂઆત કરવી જોઈએ અને વિજેતા બનેલી પેનલ માંથી ચેરમેનની નિયુક્તિ કરાવવી જોઈએ. પરંતુ આ મુદ્દે હજુ સુધી કોઈ આક્રમકતા કે અસરકારક રજૂઆતો કરાઈ હોય તેવું જાણવા મળતું નથી.
આ અંગે ઊંઝાના ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસી માં ચેરમેનની ઝડપથી નિયુક્તિ થાય એ માટે એમણે સરકારમાં કોઈપણ પ્રકારની લેખિત રજૂઆત કરી નથી. તેમણે કહ્યું કે સરકાર જે કરે તે ઠીક છે . તો બીજી બાજુ સાંસદ સભ્યને પૂછતા તેમણે પણ જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસી માં ચેરમેનની નિયુક્તિ ઝડપથી થાય તેને લઈને તેમણે પણ સરકારમાં કોઈ લેખિત રજૂઆત કરી નથી.
જોકે આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ ઈચ્છે છે કે સરકાર દ્વારા ઝડપથી વિજેતા બનેલી ભાજપની પેનલમાંથી ઝડપથી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવે. તો બીજી બાજુ આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્યને આ બાબતમાં કોઈપણ રસ ન હોય તેવું તેમના જવાબો પરથી લાગી રહ્યું છે. જો કે સરકાર વિજેતા બનેલી ભાજપની પેનલ માંથી ચેરમેનની નિયુક્તિ નથી કરતી ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું સ્થાનિક નેતાગીરી એ વિજેતા બનેલી ભાજપની પેનલની વિરુદ્ધમાં છે કે કેમ ? જે હોય તે પણ જો આમને આમ ચાલ્યા જ કરશે તો વિસ્તારના ખેડૂતો અને વેપારીઓને સરકાર પરથી જ ભરોસો ઉઠી જશે મને આગામી ચૂંટણીઓમાં ભાજપે નુકસાન સહન કરવું પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.