તંત્ર સામે સવાલ / સિધ્ધપુર : ખળી ચાર રસ્તા પર ખાનગી વાહનોનો ખડકલો : ટ્રાફિક જામ સ્થિતિ અને અકસ્માતોની સંભાવના

તંત્ર સામે સવાલ / સિધ્ધપુર : ખળી ચાર રસ્તા પર ખાનગી વાહનોનો ખડકલો : ટ્રાફિક જામ સ્થિતિ અને અકસ્માતોની સંભાવના

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( દિખા સો લિખા & સુના સો ચુના ) : સિધ્ધપુર ખેરાલુ હાઇવે પર ખળી ચાર રસ્તા એ અમદાવાદ- બોમ્બે તરફ તો બીજી બાજુ કચ્છ અને અંબાજી તરફ જવાનું મુખ્ય મથક ગણાય છે. ખળી ચાર રસ્તા ચોકડી પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની તેમજ મુસાફરોની અવરજવર પણ રહેતી હોય છે. ત્યારે હાલમાં અહીં પાલનપુર, અમદાવાદ તરફ જવાના માર્ગ પર ઓવરબ્રિજ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેને પરિણામે અહીં ટ્રાફિક ચક્કા જામ જેવી સ્થિતિ અવારનવાર સર્જાતી રહે છે.

જોકે અહીં ટ્રાફિક થવા પાછળનું મહત્વનું કારણ એ છે કે અહીં પાટણ તરફ, ઊંઝા તરફ અને ખેરાલુ તરફ જવાના રોડ ઉપર ખાનગી વાહનોનો ખડકલો થતો જોવા મળે છે જેને પરિણામે અન્ય વાહનો ને પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. પોલીસ તંત્ર દ્વારા આ ખાનગી વાહનો સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ખડા થાય છે.

તો વળી બીજી બાજુ સતત ભારે ટ્રાફિકને પરિણામે અહીં નાના-મોટા અકસ્માતો થવાની પણ સંભાવના રહેલી છે. આજે સવારે એક બસ ઊંધી પડવાની પણ અહીંયા ઘટના બની હતી. જેમાં કેટલાક મુસાફરોની નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ અહીં ચોકડી ઉપર ડામર રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ હોઇ વાહનના ટાયર નીચે પથ્થર આવતા પથ્થર ઉડીને બીજા વાહન સાથે અથડાવવાની તેમજ કોઈને વાગવાની પણ નાની મોટી ઘટનાઓ બને છે ત્યારે અહીં વ્યવસ્થિત ડામર કામ કરીને રોડ તૈયાર કરાય ખૂબ જ જરૂરી છે.

વળી આ ચાર રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે ઉપરાંત એક કાયમી પોલીસ ચોકી બનાવવામાં આવે તો રાત્રે અવરજવર કરતા મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેમ જ ચોરી લૂંટફાટ જેવી ઘટનાઓનો ભોગ ન બનવું પડે.