ઊંઝા : વિકસિત તાલુકાની કાંટાળી તસ્વીર : રોડ રસ્તાઓ મુદ્દે લોકોમાં આક્રોશ ! ધારાસભ્યની નિષ્ક્રિયતા ?

ઊંઝા : વિકસિત તાલુકાની કાંટાળી તસ્વીર : રોડ રસ્તાઓ મુદ્દે લોકોમાં આક્રોશ ! ધારાસભ્યની નિષ્ક્રિયતા ?

તાલુકામાં અનેક ઠેકાણે રોડ રસ્તા બિસ્માર

રોડ રસ્તાઓ સાંકડા તેમજ બંને બાજુ કાંટાળી વનસ્પતિથી ચાલકો પરેશાન

ધારાસભ્ય ને રજૂઆત છતાં પરિણામ શૂન્ય

તાલુકા પંચાયત પ્રમુખ પણ તાલુકા લેવલના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ક્રિય

લોકોમાં છૂપો રોષ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખૂબ જ સાંકડા તેમજ બિસ્માર હાલતમાં છે. એટલું જ નહીં રોડની બંને બાજુ ઉપર બિનજરૂરી કાંટાળી વનસ્પતિને કારણે વાહનચાલકો માત્ર સિંગલ વાહન જ પસાર કરી શકે છે. જો સામ સામે બે વાહનો આવે તો ભારે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ બાબતે ઊંઝના ધારાસભ્ય દ્વારા જવાબદાર તંત્રને રજૂઆત કરવા બાબતે બિલકુલ નિષ્ક્રિયતા દાખવવામાં આવતા ઊંઝા તાલુકાના લોકોમાં ધારાસભ્યની નબળી કામગીરીને લઈને ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. તો વળી આ રોડ રસ્તાઓ માત્ર એક માર્ગી છે જેથી બે વાહનો સામ સામે આવે ત્યારે સાઈડ લેવામાં ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે.એટલું જ નહીં પરંતુ રોડની બંને સાઈડ ઉપર કાંટાળી વનસ્પતિ એટલી બધી વધી ગઈ હોવાથી રોડ પર વાહન ચલાવનાર ચાલકોને પોતાનું વાહન સાઈડમાં ઉતારવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ આ બાબતમાં જવાબદાર તંત્ર અને કહેવાતા પ્રજા પતિનિધિ એટલે કે ધારાસભ્ય આંખ મીંચામણા કરી રહ્યા છે.

જોકે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે.જેની રજૂઆત ધારાસભ્યને વારંવાર કરવા છતાં પણ ધારાસભ્ય લોકોની રજૂઆતો પ્રત્યે ધ્યાન આપવાને બદલે માત્ર અને માત્ર સત્તાના સોગઠા ગોઠવવામાં જ રસ દાખવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં ધારાસભ્યની નબળી કામગીરીથી લોકોમાં પણ ભારે છુપો રોષ પ્રવર્તી રહ્યો છે. તો બીજી બાજુ તાલુકા પંચાયત પ્રમુખ પણ ક્યાંક ને ક્યાંક તાલુકા લેવલના પ્રશ્નો ઉકેલવામાં નિરસતા દાખવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ખોબલે ખોબલે વોટ આપીને ભાજપના પ્રજા પ્રતિનિધિને જીત અપાવનાર મતદારો હવે ક્યાંક ને ક્યાંક પછતાઈ રહ્યા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.