Breaking: સુરત બાદ સિધ્ધપુર ભાજપમાં ભડકો : વિશ્વકર્માના સ્વાગત કાર્યક્રમ દરમ્યાન કાર્યકરો બાખડ્યા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સિધ્ધપુર : ભાજપના કાર્યકરોમાં આંતરિક કલહ અંગેની ઘટના તાજેતરમાં સુરતના કમલમ માં મારામારી સુધી આવી ગઈ હતી ત્યારે હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સિધ્ધપુર મુલાકાત દરમિયાન ભાજપના આગેવાનોમાં છુપાયેલો આંતરિક કલહ એક વાર ફરીથી જોવા મળ્યો હતો. સિધ્ધપુર ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં તું...તું... મેં ....મેં જેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની માહિતી અનુસાર, ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજથી રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેઓનો સિદ્ધપુરમાં સ્વાગત કાર્યક્રમ હતો, જે કાર્યક્રમમાં તેઓ પહોંચે તે પહેલા જ ભાજપના બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ હતી.
આજે સિદ્ધપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા કાર્યક્રમ સ્થળે ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે રકઝક કરી હતી. જેથી થોડી વાર માટે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જોકે, ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.