ઊંઝા : ટ્રાફીક સમસ્યાથી ત્રસ્ત વેપારીઓએ દુકાનો બંધ કરતાં પોલીસ સફાળી જાગી : પી.એસ.આઇ.નું મહત્વનું નિવેદન
ટ્રાફિક થી ત્રસ્ત વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો
ટ્રાફિક સમસ્યા નો ઉકેલ લાવવાની પી.એસ.આઇ.ની ખાતરી
ટ્રાફિક પોઇન્ટના જવાન સ્થળ પર મોટેભાગે ગેરહાજર રહેતા હોવાની ચર્ચા
પાલિકા પ્રમુખ દીક્ષિતભાઇ પટેલે પોલીસ સાથે મળી કાયમી ટ્રાફિક સમસ્યા ઉકેલવા બતાવી તત્પરતા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા શહેરમાંથી હાઇવે તરફ આવવાના ઘરનાળામાંથી બહાર નીકળવાના માર્ગ પાસે ઓવરબ્રિજ તરફ દરરોજ સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો થી આસપાસના વેપારીઓ તંગ આવી ગયા હતા અને તેમણે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન મળવાને કારણે છેવટે આજે પોતપોતાની દુકાનો બંધ કરી દીધી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ઊંઝા પોલીસ તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું અને આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા છેવટે વેપારીઓએ પોતાની દુકાનો રાબેતા મુજબ શરૂ કરી હતી.
ઊંઝા પીએસઆઇ એ જણાવ્યું હતું કે વેપારીઓની કનડ ગત સંદર્ભે તેમની સાથે મુલાકાત કરી ટ્રાફિક સમસ્યા નો ઉકેલ લાવવાની ખાતરી આપતા વેપારીઓએ રાબેતા મુજબ પોતપોતાની દુકાનો શરૂ કરી દીધી હતી.. આ અંગે નગરપાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું કે દુકાનદારોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં અમે પોલીસ તંત્ર સાથે મળીને શક્ય એટલા પૂરતા પ્રયત્નો કરવા તૈયાર છીએ.
અત્રે નોંધનીય છે કે ઊંઝા બસ સ્ટેશન પાસે જેમને ટ્રાફિક પોઇન્ટની જવાબદારી સોંપવામાં આવી છે એ પોલીસ જવાન આ પોઇન્ટ પર હાજર રહેતા નથી જેને પરિણામે અહીં અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા જોવા મળે છે જેને લઇને લોકો અને આસપાસના વેપારીઓ પરેશાન થાય છે. બીજી બાજુ રિક્ષાઓ અને અન્ય પેસેન્જર ભરતા ખાનગી વાહનો સામે નરમ વલણ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે ઝડપથી આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં પ્રયાસો થાય તે વર્તમાન સમયની ઉગ્ર માંગ છે.