સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો પગારથી વંચિત, શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? જાણો

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો પગારથી વંચિત, શિક્ષણ મંત્રીએ શું કહ્યું ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા સાથે આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ છે. છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી.

આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પૂછતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રાજ્ય સરકારની 80% ગ્રાન્ટ અને નગરપાલિકાની 20% ગ્રાન્ટ એમ કુલ મળીને 100 ટકા ગ્રાન્ટ માંથી શિક્ષકોનો પગાર કરવામાં આવતો હોય છે. એક બે દિવસમાં પગાર થઈ જશે એવું તેમણે જણાવ્યું હતું.

આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી મને આવી કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી. પરંતુ જો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે તો તે તરત જ ઉકેલીને ઝડપથી શિક્ષકોનો પગાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

આ અંગે સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના નેતા રાકેશભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે અમારા દ્વારા ભૂતકાળમાં પણ આ અંગે અનેકવાર રજૂઆતો થયેલી છે. ચાણક્યના વાક્યમાં કહીએ તો શિક્ષક એ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે ત્યારે નિયમિત શિક્ષકોનો પગાર થાય તે ખૂબ જ જરૂરી છે.

સામાન્ય રીતે શિક્ષકોનો પગાર 1થી 5 તારીખની વચ્ચે થઈ જાય છે. જેના કારણે અનેક શિક્ષકો એવા છે. જેમની બેંક લોન ચાલતી હોય તેના હપ્તા 10થી 15 તારીખની વચ્ચે સીધા કપાઈ જાય છે. પરંતુ આ વખતે શિક્ષકોનો પગાર બેંકમાં જમા થયો નથી. તેના કારણે બેંકમાં હપ્તાનું ટેન્શન તેઓને થઈ ગયું છે. હાલમાં શિક્ષણ ઉપરાંત ચુંટણી તથા અન્ય કામગીરી હોવાથી શિક્ષકો પર ભારણ વધી રહ્યું છે.