ઊંઝા : APMC માં મચ્યો ખળભળાટ : માર્કેટ યાર્ડ બંધ રાખવા મુદ્દે વેપારીઓએ લીધો મોટો નિર્ણય

ઊંઝા : APMC માં મચ્યો ખળભળાટ : માર્કેટ યાર્ડ બંધ રાખવા મુદ્દે વેપારીઓએ લીધો મોટો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં હાલમાં વેપારીઓ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આજે વેપારીઓ દ્વારા જ્યાં સુધી વેપારીઓની સમસ્યાઓ ના ઉકેલ ન આવે ત્યાં સુધી ગંજ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું એપીએમસીમાં તાજેતરની બોડીમાં ચૂંટાયેલા ડિરેક્ટર નરેન્દ્ર ભાઈ કાનજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે બપોરે ત્રણ વાગ્યાથી ગંજ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે નરેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ એ પૂર્વ ચેરમેન નારાયણભાઈ પટેલ (કાકા ) ના નજીકના કૌટુંબિક સંબંધી છે. એપીએમસીની ચૂંટણીમાં સૌથી વધારે લીડ થી જીતનાર તેઓ વેપારીઓમાં લોકપ્રિય ડિરેક્ટર છે.

ડિરેક્ટર નરેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એપીએમસીની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ સરકાર દ્વારા ચૂંટાયેલી બોડીને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી. જેથી વેપારીઓની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. 

હાલમાં ઊંઝા એપીએમસી માં વહીવટદાર નું શાસન છે ત્યારે વેપારીઓની સમસ્યાઓ મુદ્દે વહીવટદાર અને વેપારીઓ આમને સામને હોય તેવો ઘાટ ઘડાયો છે. જેને લઈ જ્યાં સુધી વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી માર્કેટયર્ડ બંધ રાખવાનો નિર્ણય વ્યાપારીઓએ સ્વયંભૂ લીધો હોવાનું ડિરેક્ટર નરેન્દ્ર ભાઈ કાનજીભાઈ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોક્સ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.