અટકળો તેજ / ઊંઝામાં વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ નવરાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય જ રહ્યા ગેરહાજર !
ઊંઝાના ધારાસભ્યની પોસ્ટ વાયરલ થતાં મીડિયામાં ચર્ચા
ધારાસભ્યએ પોસ્ટમાં સાચા માણસો ને એકલા પાડી દેવાની કરી હતી વાત
ઊંઝામાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ઊંઝા ના ધારાસભ્ય ની ગેરહાજરી થી લોકોમાં અટકળો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા ના ધારાસભ્ય ભાજપ વડનગરના ગ્રુપમાં મૂકેલી એક પોસ્ટને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. તેમજ તેના પડઘા ગાંધીનગર કમલમ સુધી પડ્યા હતા. કારણ કે ધારાસભ્યએ મુકેલી આ પોસ્ટ લાગણીસભર હતી અને આ પોસ્ટમાં તેમને એકલા પાડી દેવાની વાત કરવામાં આવી હતી. જેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પ્રગટ થતી હોય તેવું માનવામાં આવતું હતું. ત્યારે સમગ્ર કિસ્સાએ મહેસાણા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચાવી હતી.
ધારાસભ્ય એ મૂકેલી સોશ્યલ મીડિયા પોસ્ટનો કિસ્સો સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ત્યારે ગઈકાલે ઊંઝામાં યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલ નવરાત્રી પર્વમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે ઊંઝા ના ધારાસભ્યની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ઉપસ્થિત લોકોએ કાર્યક્રમમાં ધારાસભ્યની ગેરહાજરી ની નોંધ લીધી હતી અને તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ હતી.