વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે .
Mnf network : વૈદિક પરંપરા, ભારતીય જીવનમૂલ્યો અને સનાતન વૈદિક ધર્મ જ વિશ્વ શાંતિનો આધાર બની શકે. પરમાત્મા દ્વારા રચિત વેદના મંત્રોનું માત્ર જ્ઞાન નહીં, ચિંતન કરો. વેદના જ્ઞાનને જીવનમાં અપનાવો. વેદને વિજ્ઞાનની એરણે ચકાસો અને પછી શ્રદ્ધાપૂર્વક વેદના અર્થોને જનમાનસ સુધી પહોંચાડો તેમ રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય- SGVP માં અખિલ ભારતીય વૈદિક સંમેલનનો શુભારંભ કરાવતાં કહ્યું હતું.
દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન, ઉજ્જૈન દ્વારા તારીખ 20 થી 22 ઓક્ટોબર દરમિયાન અખિલ ભારતીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્વતજનોની આ સભાને સંબોધતાં વેદ મંત્રોના સંદર્ભ સાથે ખૂબ મહત્વની વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને સમજવી હશે. અને ભારતને જાણવું હશે તો વેદને જાણવા પડશે. વેદ, દર્શનશાસ્ત્ર, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ગ્રંથોને નહીં સમજીએ તો ભારતની સાચી ઓળખ નહીં મેળવી શકીએ.
વિદેશી આક્રાંતાઓએ ભારત પર આક્રમણ કરીને આપણા બહુમૂલ્ય ઋષિકૃત ગ્રંથો-આર્ષ પરંપરાના ગ્રંથોને નષ્ટ કરી નાખ્યા પરંતુ વૈદિક વિદ્વાનોએ બહુમૂલ્ય ગ્રંથો અને વેદોને કંઠસ્થ કરીને આપણા સુધી પહોંચાડ્યા છે ભારતીય સંસ્કૃતિ આવા વિદ્વતજનોને ક્યારેય નહીં ભૂલે. કંઠસ્થ વેદો આપણા સુધી પહોંચ્યા પરંતુ તેના અર્થોથી અપરિચિત રહ્યા.