ઊંઝા : સબ સલામત ના દાવાઓ વચ્ચે શું પડદા પાછળ કાંઈ રંધાઇ રહ્યું છે ? વહીવટદાર ઝાલા ધારાસભ્ય કાર્યાલય કેમ દોડી ગયા ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝા એપીએમસી ના વેપારીઓએ સ્વયંભૂ માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરતાની સાથે જ એપીએમસીના વહીવટદાર એસ એન ઝાલા ઊંઝા દોડી આવ્યા હતા અને સાંજના સમયે તેમણે વેપારી મંડળના ગણ્યાગાંઠા અગ્રણીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક બાદ સબ સલામત હોવાનો દાવો કરાયો છે.
પણ બીજી બાજુ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વહીવટદાર સાથે કેટલાક વેપારી અગ્રણીઓએ બંધ બારણે બેઠક કરીને સબ સલામત હોવાનો દાવો તો કર્યો છે પરંતુ વેપારીઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક છૂપો રોષ પ્રવર્તી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ એવું પણ ચર્ચા રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશર આપીને માર્કેટયાર્ડ ચાલુ રાખવા માટે વેપારીઓને પરોક્ષ રીતે દબાણ થયું હોવાનું મનાય છે. જે હોય તે આ મુદ્દે કોઈ કંઈ કહેવા તૈયાર નથી.
વહીવટદાર ઝાલા ધારાસભ્ય કાર્યાલય કેમ દોડી ગયા ?
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે બંધ બારણે થયેલી વેપારીઓના કેટલાક ગણ્યાગાંઠા અગ્રણીઓ સાથેની મુલાકાત બાદ એપીએમસીના વહીવટદાર એસએન ઝાલા ધારાસભ્ય કાર્યાલય દોડી ગયા હતા. કારણ કે તેમની ગાડી ધારાસભ્ય કાર્યાલય પાસે પડી હતી. જોકે વહીવટદાર ની ગાડી ધારાસભ્ય કાર્યાલય પાસે પડેલી હોય તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે પડદા પાછળ શું રંધાઇ રહ્યું છે ? વહીવટદાર ઝાલા કયા રાજકીય પ્રેશર હેઠળ કામ કરી રહ્યા છે ? શું ઝાલા ધારાસભ્યને ' વ્હાલા ' થવા માટે કાર્યાલય દોડી ગયા હતા ? સબ સલામત હોવાનો દાવો કરીને શું વેપારીઓને લોલીપોપ તો નથી આપીને ?
વહીવટદાર ફોન ઉપાડતા નથી , ધારાસભ્યએ શું કબૂલ્યું?
APMC વહીવટદાર ઝાલા નો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો, તો બીજી બાજુ ધારાસભ્ય દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે વહીવટદાર તેમના કાર્યાલય ગયા હતા અને ધારાસભ્ય એ એપીએમસી મુદ્દે તેમને બોલાવ્યા હતા. જોકે ધારાસભ્ય કાર્યાલયમાં વહીવટદાર અને ધારાસભ્ય વચ્ચે શું વાતચીત થઈ તે અંગે માહિતી પ્રાપ્ત થઈ નથી. ત્યારે શું એવું તો નથી બની રહ્યું ને કે વેપારીઓને અંધારામાં રાખીને પડદા પાછળ કોઈ મોટો રાજકીય દાવ ખેલાઈ રહ્યો હોય !