ઊંઝા : APMC માં ભાજપ કોને મેન્ડેડ આપશે ? જીત માટે કોની ભૂમિકા રહી છે મહત્વની ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં આવેલી એશિયાની સૌથી મોટી એપીએમસી માં આવતા જૂન મહિનામાં વર્તમાન સત્તા પક્ષની ટર્મ પૂરી થઈ રહી છે. જેને લઈને સહકાર ક્ષેત્રમાં ભાજપના જૂથોમાં અંદરો અંદર ખેંચતાણ વધી છે. એપીએમસી માં સત્તા હાંસલ કરવા માટે ભાજપના જૂથો અંદરો અંદર ખેંચતાણ કરી રહ્યા છે.જેને લઇને ભાજપનું ટેન્શન વધ્યું છે.
કારણકે ઇફકો માં જે રીતે ભાજપના મેન્ડેડ ની અવગણના થઈ હતી તે જોતા હવે ભાજપ એ ઊંઝા એપીએમસીમાં કોને મેન્ડેડ આપવો તે કદાચ સૌથી મોટો યક્ષ પ્રશ્ન ગણી શકાય. કારણકે ઊંઝામાં ભાજપના જૂથો અંદરો અંદર સત્તા માટે ખેંચતાણ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જે જૂથને મેન્ડેડ મળે એ સિવાયના તમામ અન્ય જૂથો માં નારાજગી ઉદભવી શકે છે.
AMPC હસ્તગત કરવા નારણભાઈ પટેલ જૂથ સક્રિય બન્યું
તાજેતરમાં ઊંઝા ના પૂર્વ ધારાસભ્ય અને સરકારમાં મંત્રી રહી ચૂકેલા એવા દિગજજ નેતા નારણભાઈ પટેલે તેમના 87 માં જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં ભાજપના દિગજજ નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું અને મંડળીઓના સભાસદોને પણ વિશેષ રૂપે આમંત્રિત કર્યા હતા ત્યારે આ સમારંભ રાજકીય સમારંભ હોય તેવું પ્રતિત થતું હતું. જેને લઈને કદાચ એપીએમસીની આગામી ચૂંટણી માટે નારણભાઈ પટેલ નું આ શક્તિ પ્રદર્શન હોય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. તો બીજી બાજુ નારણભાઈ પટેલની ફડચામાં ગયેલી મંડળીઓ જીવિત થતા હવે આગામી એપીએમસીની ચૂંટણીમાં નારણ પટેલ નું જૂથ ઝંપલાવી શકે છે.
નારણભાઈ પટેલના જન્મદિવસ ના કાર્યક્રમમાં ભાજપના જ નેતાઓના નામ કપાયા !
નારાયણભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી ના રાજકીય સમારંભમાં ખાસ કરીને કેટલાક ભાજપના જ નેતાઓની બાદબાકી કરવામાં આવી હતી. જેમાં ઊંઝા ના મોટા ભાગના કાર્યક્રમોમાં સવિશેષ હાજરી આપતા પ્રદેશ મહામંત્રી એમ એસ પટેલની ગેરહાજરી જોવા મળી હતી. તો બીજી બાજુ એપીએમસીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલની પણ ગેરહાજરી જોવા મળી હતી સાથે સાથે શહેર સંગઠનના નેતા ના નામ પણ કપાયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપમાં રહેલો જૂથવાદ હવે ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
એપીએમસી સાથે ધારાસભ્ય નું કનેક્શન મહત્વનું રહ્યું છે !
અત્રે નોંધનીય છે કે ઊંઝા એપીએમસી માં સત્તા મેળવવામાં વર્તમાન ધારાસભ્યની સવિશેષ ભૂમિકા હોવાનું મનાય છે. કારણ કે અગાઉ પણ નારણ પટેલ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમના પુત્ર ગૌરાંગ પટેલ એપીએમસી માં ચેરમેન હતા. ત્યારબાદ 2019 માં ભાજપના મેન્ડેડ પરથી ચૂંટણી જીતેલા સ્વ. ડો. આશાબેન પટેલ ધારાસભ્ય બનતાં જ ગૌરાંગ પટેલ પાસેથી સત્તા સરકી ગઈ હતી અને સ્વ.આશાબેન પટેલ જૂથના દિનેશભાઈ પટેલે એપીએમસીમાં સત્તા મેળવી હતી. જોકે હાલમાં વર્તમાન ધારાસભ્ય કે કે પટેલ જૂથ પણ એપીએમસીમાં સત્તા મેળવવા માટે સક્રિય બન્યું હોવાનું ચર્ચાય છે. ત્યારે આગામી એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો ત્રી પાંખીયો જંગ સર્જાય તો નવાઈ નહીં !
વર્તમાન ચેરમેન દિનેશભાઈ પટેલની કામગીરી રહી છે પ્રશંશનીય
ઊંઝા એપીએમસી માં હાલમાં ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલ કાર્યરત છે. જોકે નારણ પટેલના 25 વર્ષના શાસન બાદ સ્વ. ડૉ. આશાબેન પટેલે 2019 માં ધારાસભ્ય બનતા જ તેમના જૂથના દિનેશભાઈ પટેલે ચેરમેન પદ સંભાળ્યું હતું. જોકે દિનેશભાઈ પટેલે તેમના કાર્યકાળમાં ઊંઝા એપીએમસી ની યશ કલગીમાં અનેક ગણો વધારો કર્યો છે. માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના ડેલીગેશનો દ્વારા પણ એપીએમસીની મુલાકાત લેવામાં આવી છે અને દિનેશભાઈ પટેલના કુશળ વહીવટીય શાસનની નોંધ લીધી છે. કોરોના કાળમાં પણ એપીએમસી દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
2019 માં ભાજપના જ જૂથે સ્વ.ડો. આશાબેન પટેલને હરાવવા કર્યા હતા પ્રયાસો
2017માં ઊંઝા વિધાનસભામાં નારાયણભાઈ પટેલ ની સામે ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાં હતાં અને આ ચૂંટણી જીત્યાં પણ હતાં. ત્યારબાદ કોંગ્રેસની કાર્યપદ્ધતિ થી નારાજ થયેલ આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું અને 2019 માં તેઓ ફરીથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યાં હતાં. અત્રે નોંધનીય છે કે 2019 માં જ્યારે આશાબેન પટેલ ભાજપ ની સીટ પરથી ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યારે ભાજપના જ દિગજ નેતા અને તેમના જૂથ દ્વારા તેમને હરાવવા માટેના પ્રચારો થયા હતા. ડો. આશાબેન પટેલને હરાવવા માટે ભાજપના જ નેતાના જુથે મરણીયા પ્રયાસો કર્યા હતા. પરંતુ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં 20 વર્ષના શાસન કરતા વધારે સારી કામગીરી કરનાર આશાબેન પટેલને એકવાર ફરીથી જનતાએ પસંદ કર્યા હતાં અને 2019 માં આશાબેન પટેલ ચૂંટણી જીત્યાં હતાં.