EXCLUSIVE/ PM મોદીના વતન વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિપક્ષ હશે કે પછી અપક્ષ?
વડનગર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન
વડનગર નગરપાલિકામાં સંપૂર્ણપણે હતું ભાજપનું શાસન
પાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ ને તમામ સીટો જીતવામાં કેટલી સફળતા મળશે ?
પોતાના બળે ચૂંટણી જીતનાર ભાજપના કાર્યકરોને ટિકિટ ન મળે તો લડી શકે છે ચૂંટણી અપક્ષ માંથી ?
આગામી ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત અપક્ષ હશે કે વિપક્ષ ? ચર્ચાતો સવાલ
પૂર્વ શહેર પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય સંગઠનને મજબૂત બનાવવામાં રહ્યા છે નિષ્ફળ
સંગઠનમાં અંદરો અંદર જૂથવાદ હોવાની ચર્ચાઓ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર સહિત રાજ્યની 66 નગરપાલિકાઓ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ઉપરાંત તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની પણ ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે હવે ટિકિટો માટે લોબિંગ શરૂ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે વડનગરમાં ભાજપ સંગઠનમાં જ ભારે અસંતોષ હોવાનું અવારનવાર ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે નગરપાલિકામાં ખરેખર જે ઉમેદવારો પોતાના બળ પર જીતી શકવાની તાકાત ધરાવે છે એવા લોકોને જો ટિકિટ ન મળે તો એવા ઉમેદવારો કદાચ અપક્ષ માંથી પણ ચૂંટણી લડી શકે છે. અને જો ખરેખર અપક્ષ માંથી ઝંપલાવે તો અપક્ષ ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ભાજપનો ખેલ બગાડી શકે છે એ નિર્વિવાદ છે. કારણ કે આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ વડનગર ભાજપ સંગઠનને સંગઠિત રાખવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા હોવાની વાતો અવારનવાર બહાર આવી છે. ત્યારે શું પ્રધાનમંત્રી મોદીના વતનમાં જ ભાજપ સામે ટિકિટ ન મળી હોય તેવા ભાજપના ઉમેદવારો અપક્ષમાં ઝંપલાવશે કે કેમ ? એ તો આવનાર સમય જ બતાવશે
અત્રે નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના વડનગર નગરપાલિકાની પણ ચૂંટણી યોજવામાં આવશે ત્યારે ચૂંટણની તારીખ નક્કી થતા જ હાલ રાજકીય હલચલ વધી ગઈ છે. વડનગરમાં ગત ટર્મમાં નગરપાલિકામાં 28 પૈકી 27 બેઠક ભાજપ પાસે હતી અને એક બેઠક કોંગ્રેસ પાસે હતી જો કે પાછળથી કોંગ્રેસના કોર્પોરેટરે પણ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જેથી વડનગર નગરપાલિકામાં વિપક્ષ નેસ્ત નાબૂદ થઈ ગયો હતો. પણ હવે આગામી ચૂંટણીમાં પણ શું તમામ સીટો ભાજપ આંચકી લેવામાં સફળ થશે કે પછી વિપક્ષ અને અપક્ષનું પલ્લું ભારે રહેશે ?