મેયર સાહેબ આ બાજુ પણ જોજો ? પાલિકાના સાઉથ ઝોનમાં શા માટે લાગી છે આ લાંબી લાઈનો ?
પાલિકા ના સાઉથ ઝોન માં લાગી છે લાઈનો
જન્મ - મરણ પ્રમાણપત્ર અને સુધારા ના દાખલાઓ માટે લાગી છે લાઈનો
20 થી 30 દિવસનું બોલે છે વેઇટિંગ
ફરજ બજાવતા કર્મચારીઓની છે પ્રસંશનીય કામગીરી પરંતુ વ્યવસ્થા નો ક્યાંક અભાવ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : સુરત મહાનગરપાલિકાની અઠવા ઝોન કચેરી એ લાંબી લાઈનો લાગી હતી ત્યારે સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે આ લાંબી લાઈનો જન્મ મરણના પ્રમાણપત્ર અને આ દાખલાઓમાં નાના-મોટા સુધારાઓ કરવા માટેની હતી.
વધુ માં તપાસ કરતાં જાણવા મળ્યું કે જન્મ મરણ ના દાખલાઓ અને તેમાં સુધારાઓ માટે 20 થી 30 દિવસ સુધીનું વેઇટિંગ હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું અહીં ક્યાંક સ્ટાફ ઓછો હોઈ શકે છે ? અથવા તો ટેકનિકલ સુવિધાઓનો અભાવ હોઈ શકે છે ? કે પછી અરજદારોનો ઘસારો ? કારણ જે હોય તે પણ લોકોએ લાંબા સમય સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.
જોકે જન્મમરણ દાખલા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પણ પોતાની ફરજ સારી રીતે નિભાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દાખલાઓ મેળવવા માટેનું આ વેટિંગ એ વ્યવસ્થામાં કંઈક અભાવ સૂચવે છે. ત્યારે મેયર શ્રી કે જેઓ સુરતના પ્રથમ નાગરિક છે તેમણે પોતાના શહેરની અને શહેરીજનોની ચિંતા કરીને આ બાબતે શક્ય હોય એટલી સરળ સુવિધા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે !