ઊંઝા : ધારાસભ્ય ને કોણ ગેરમાર્ગે દોરી રહ્યું છે ? ભાજપ v/s કામદાર માં પ્રમુખનો તાજ કોના શિરે જશે ?

ઊંઝા : ધારાસભ્ય ને કોણ ગેરમાર્ગે દોરી રહ્યું છે ? ભાજપ v/s કામદાર માં પ્રમુખનો તાજ કોના શિરે જશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકામાં ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેના માટે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદની વરણીનું કારણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ ના જ નગરસેવકો ભાજપ સામે મેદાને પડ્યા છે જેના પાછળ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની કામગીરી સામે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો છે. જોકે હકીકત પણ એ છે કે અઢી વર્ષના નગરપાલિકાના શાસનમાં ભાજપે માત્ર અને માત્ર કારનામા જ કર્યા છે. અઢી વર્ષ સુધી વિવાદોમાં રહેનાર પાલિકાના સત્તાધીશો સામે ધારાસભ્ય મૌન બની રહ્યા હોઈ નગર સેવકોમાં રહેલો અસંતોષ હવે સપાટી પર આવતા ભાજપે સત્તા ગુમાવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપના છ નગર સેવકો ભાજપની સામે મેદાને પડતા હવે ભાજપે સત્તા ગુમાવવી પડે તો નવાઈ નહી !

તબેલા માંથી ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવાનો શો અર્થ ? 

જોકે શરૂઆતમાં ધારાસભ્ય દ્વારા નગરપાલિકા તરફ બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી. નગરપાલિકામાં નગરસેવકોમાં રહેલી નારાજગી અનેકવાર છુપી રીતે નગરમાં ચર્ચા નું કારણ બની છે પરંતુ ધારાસભ્ય દ્વારા નગરપાલિકા ના સત્તાધીશો એ જે કારનામા કર્યા એ દિશામાં કોઈ પણ પ્રકારની તપાસ કે કડક પગલાં ભરવામાં આવ્યા નહીં અને હવે હાથમાંથી સત્તા સરકી જાય તેવી સ્થિતિનું નિર્માણ થતા પોતાની રાજકીય પ્રતિષ્ઠા જાળવવા માટે ધારાસભ્ય મેદાને પડ્યા છે તેનો શો અર્થ ?

ધારાસભ્યની રાજકીય અપરિપકવતા નો કોણ ઉઠાવી રહ્યું છે ફાયદો ?

ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ રાજકીય રીતે બિલકુલ પરિપકવ ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ધારાસભ્યની રાજકીય અપરિપકવતાનો લાભ લઈને પોતાનો રોટલો શેકવા માટે કેટલાક સત્તા લોલુપો ' ઇતરડી 'ની જેમ તેમની આસપાસ વિંટળાયેલા રહે છે. જેઓ ધારાસભ્યને સાચી માહિતી અને ગાઈડલાઈન કરવાને બદલે માત્ર અને માત્ર પોતાનો રાજકીય રોટલો કેવી રીતે શેકાય એ દિશામાં આગળ વધતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સ્વ. ડૉ.આશાબેન પટેલ જ્યારે ભાજપમાંથી ચૂંટણી લડતાં હતાં ત્યારે હાલમાં ધારાસભ્યની આસપાસ ' ઇતરડી ' ની જેમ વીંટળાઈ રહેલા કેટલાક સત્તાલોલુપ લોકો ભાજપ સામે જ મેદાને પડી કોંગ્રેસ ને જીતાડવા મરણીયા બન્યા હતા. માત્ર અને માત્ર પોતાનો જ રાજકીય લાભ જોનારા આ સત્તા લોલુપ લોકોને ધારાસભ્યએ ઓળખીને હાંકી કાઢવાની જરૂર હોવાનો લોકમત પ્રવર્તી રહ્યો છે.

ન.પા.ની પેટા ચુંટણીમાં કાર્યકરો ની અવગણના ભાજપને ભારે પડી રહી છે !

નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક એવા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી હતી જેનો ભાજપ સાથે કોઈ સીધો લાંબો સંબંધ ન હતો છતાં પણ ભાજપ એ પોતાની મનમાની ચલાવી અને આ ઉમેદવારને ટિકિટ ફાળવી દીધી. બીજી બાજુ જે કાર્યકરો વર્ષોથી ભાજપ માટે કામ કરતા હતા એવા કાર્યકરોને સાઈડ લાઈન કરી અન્યને ટિકિટ ફાળવતા કાર્યકરોમાં ભારે છુપો રોષ પેદા થયો હતો . જે હવે ક્યાંક ને ક્યાંક સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે ત્યારે કાર્યકરોની થયેલી આ અવગણના હવે  ભાજપ ને ભારે પડી રહી છે !

દુખે છે પેટ અને કૂટે છે માથું

નગરપાલિકામાં ભાજપના હાથમાંથી સત્તા સરખી જતી બચાવવા માટે હવે ભાજપે જુદી જુદી રીતે પ્રેસર લાવવાનું શરૂ કર્યું છે જેમાં નગરપાલિકામાંથી બે કર્મચારીઓને એકાએક છુટા કરવામાં આવ્યા હોવાની વાત બહાર આવી છે તો બીજી બાજુ કામદાર પેનલ સાથે સંકળાયેલા લોકોને પણ કોઈને કોઈ રીતે હવે કનડગત શરૂ કરવામાં આવી હોવાનું પણ નગરજનોમાં ચર્ચા રહ્યું છે ત્યારે ' દુખે છે પેટમાં ને કુટે છે માથું ' વાળી ઉકતી ભાજપ સાર્થક કરી રહ્યું હોય તેવું મનાય છે.

એક કોર્પોરેટર દ્વારા  ના 'રાજીનામું ધરી દેવાયું

ઊંઝા નગરપાલિકાના છ નારાજ નગરસેવકો પૈકી એક નગર સેવક ને મનાવવા માટે ધારાસભ્યના ઇશારે અનેક ધમ પછાડા થતા છેવટે નગરસેવકને પોતાનો સ્વમાન ઘવાયું હોવાની લાગણી અનુભવાતા તેમણે ના 'રાજીનામું ધરી દીધું છે .ત્યારે નગરજનોમાં એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે જો ખરેખર નગરના વિકાસમાં રસ હોય તો નગરના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં રસ લેવો જોઈએ. ધારાસભ્ય પોતાના નગરજનોની સુરક્ષા માટે મહત્વની ગણાતી પોલીસ ઇન્સ્પેક્ટરની કાયમી જગ્યા ભરાવવામાં 'આખ આડા કાન ' કરી નગરપાલિકામાં સત્તા બચાવવા માટે મરણિયા પ્રયાસો કરતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સ્વ. ડો.આશાબેન ના પ્રયત્નો થી પહેલી વાર ન.પા.માં ભાજપનું શાસન આવ્યું હતું.

શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા અને રાજનીતિમાં માહિર ગણાતા સ્વ. ડો. આશાબેન પટેલ ના પ્રયત્નોથી પ્રથમવાર ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું. પરંતુ આશાબેન પટેલના નિધન બાદ નગરપાલિકાના શાસકોએ પોતાની મનમાની ચલાવીને નગરપાલિકાનો વહીવટ કરતા અંદરો અંદર નગર સેવકોમાં નારાજગી ઉદભવી હતી. જેને લઈને હાલમાં છ જેટલા નગરસેવકોની નારાજગી સપાટી પર આવી છે .ત્યારે હવે ભાજપ માટે નગરપાલિકામાં પોતાનું શાસન બચાવવું 'લોઢાના ચણા ચાવવા ' સમાન લાગી રહ્યું છે.