ઊંઝા : વિદ્યાર્થીઓના જીવનું જોખમ : સ્પીડ બ્રેકર બનાવવા ઉઠી માંગ : આરોગ્ય મંત્રીએ શું કહ્યું ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ , ઊંઝા : ઊંઝા તાલુકાનું કહોડા ગામ દિન પ્રતિ દિન હરણફાળ વિકાસ કરી રહ્યું છે ત્યારે આ ગામોમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલ એ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને અહીંથી આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. ત્યારે બાજુના ગામ જગન્નાથપુરા થી આવતા વિદ્યાર્થીઓએ હાઇવે ક્રોસ કરીને આવવું પડતું હોય છે જેને લઈને અવાર નવાર નાના મોટા અકસ્માતો બનતા હોય છે. જેથી અહીં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની ઉગ્ર માગણી છે. જોકે આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ વિસ્તારના વતની એવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને પણ ટેલીફોનિક જાણ કરાઈ છે.
સિદ્ધપુર - ખેરાલુ હાઈવે પર જગન્નાથપુરા અને કહોડા વચ્ચે આવેલ પેટ્રોલ પંપ અને હોટલ મેહુલ પાસે ચાર રસ્તા પડે છે જ્યાંથી દરરોજ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ માટે સ્કૂલે જવા રસ્તો ક્રોસ કરે છે અને અવારનવાર અહીં નાના-મોટા અકસ્માતો બન્યા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે તાત્કાલિક અહીં સ્પીડ બ્રેકર મુકવા માટે સ્થાનિક લોકોએ ઉગ્ર માગ કરી છે .
જેને લઈને આ વિસ્તારની સમસ્યાઓનો અવાજ બનેલ અખબાર મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ વિસ્તારના વતની એવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને ટેલીફોનિક જાણ કરતા તેમણે તાત્કાલિક આ બાબતે ની માહિતી મેળવીને શક્ય હોય એટલું ઝડપથી અહીં બમ્પ મૂકાવવા માટેની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ત્યારે હવે જોવું એ રહ્યું કે હવે આર એન બી વિભાગ દ્વારા કેટલા સમયમાં અહીંયા બમ્પ બનશે ?