ભાજપના ધારાસભ્યો વચ્ચે વિકાસની ભેદ રેખા : ઊંઝામાં 'વિકાસ ખોરવાયો ' :વિરમગામ માં 325 કરોડના વિકાસ કાર્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : જો પોતાના વિસ્તારના ધારાસભ્ય ખરેખર સક્રિય હોય તો પોતાના મત વિસ્તારની કાયાપલટ કરી શકાય છે. પરંતુ નિષ્ક્રિય ધારાસભ્ય મતદારોને પાંચ વર્ષ પાણીમાં ગયા હોવાનો ચોક્કસથી અહેસાસ કરાવે છે. વાત છે ઊંઝાના ધારાસભ્ય અને વિરમગામના ધારાસભ્ય વચ્ચેની જ્યાં એક તરફ વિકાસ હરણફાળ ગતિથી આગળ વધી રહ્યો છે, તો બીજી બાજુ મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત રહ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.
ઊંઝા વિધાનસભા સીટ પર જ્યારથી ધારાસભ્ય તરીકે કિરીટ પટેલ ચૂંટાયા છે ત્યારથી વિકાસ કાર્યો ખૂબ જ ધીમા પડી રહ્યા હોવાનો આ વિસ્તારના લોકો અહેસાસ કરી રહ્યા છે. તો બીજી બાજુ ધારાસભ્ય પોતાની રાજકીય અણ આવડતને કારણે સતત વિવાદો માં રહ્યા છે. જોકે કિરીટ પટેલના ધારાસભ્ય બન્યા બાદ કોઈ ખાસ નોંધપાત્ર કામ થયા હોય એવા કિસ્સા કદાચ આંગળીના વેઢે પણ ગણી શકાય તેવા નહીં હોય.
જ્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા તાજેતરમાં યોજાયેલા કાર્યકર્તાઓના સ્નેહમિલન સમારોહમાં 325 કરોડના વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. તો બીજી બાજુ ઊંઝા વિધાનસભાના કાર્યકર્તાઓનો સ્નેહમિલન સમારંભ પણ મલેકપુર ખાતે સુરત ઉધના ના ધારાસભ્ય મનુભાઈ પટેલના કાર્યક્રમ સાથે જોડીને કરી દેવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન સમારોહ માં મર્યાદિત કાર્યકરો ની હાજરી એ કદાચ સીમિત લોકો માટે જ સ્નેહમિલન હોય તેવું પ્રતીત કરાવ્યું હતુ. ટૂંકમાં કહીએ તો ઊંઝામાં 'વિકાસ ખોરવાયો છે ' એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ભર્યું નહીં લાગે.