Exclusive : કોરોનાની કપરી સ્થિતિમાં બોર્ડની પરીક્ષા લેવા જીદે ચડેલી રૂપાણી સરકાર સામે શુ છે મોટો પડકાર ? શુ થશે ગુજરાતના વિદ્યાર્થીઓનું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ની બેઠક બાદ CBSE બોર્ડ દ્વારા ધો.10 ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો તો બીજી બાજુ ધોરણ12ની પરીક્ષા ભરતી કરવામાં આવી છે જે પાછળથી ક્યારે લેવી તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. કોરોના ની કપરી પરિસ્થિતિ જોતા કેન્દ્ર નિર્ણય લીધો છે ત્યારે ગુજરાતમાં પણ આગામી મે માસમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજાનારી છે તો શું ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ લેવાશે કે પછી પાછી ઠેલાશે કે પછી સીબીએસસી બોર્ડ ની જેમ ધોરણ 10માં માસ પ્રમોશન અને ધોરણ-12માં પાછળથી પરીક્ષા લેવાનો વારો આવશે એને લઈને અનેક સવાલો ખડા થયા છે.
થોડાક દિવસો પહેલા મુખ્યમંત્રી રૂપાણી એવું કહ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ નિર્ધારિત સમયે લેવામાં આવશે માટે વિદ્યાર્થીઓ માનસિક રીતે પરીક્ષા આપવા તૈયાર રહે. પરંતુ રૂપાણીના આ નિવેદન બાદ કેન્દ્ર સરકારે CBSE બોર્ડની પરીક્ષા અંગે મોટો નિર્ણય લીધો છે.જેને લઈ રાજ્યમાં હવે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ ઉઠી છે. બોર્ડની પરીક્ષા મામલે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ યોગ્ય નિર્ણય લે તેવી માંગ હાલમાં સિનિયર ફિજીશિયન ડૉ. વસંત પટેલે કરી છે. હાલમાં કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે ત્યારે આ મામલે યોગ્ય નિર્ણય કરવા માંગ કરાઇ છે.
તો બીજી બાજુ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું હતું કે, હાલની કોરોના કાળની સ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યાં છે. મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનાના બદલે જૂન મહિનામાં લેવામાં આવે. નવું વર્ષ પણ જૂન મહિનાથી શરૂ થશે અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે, ભણતર પૂરા દિવસો ના મળી રહે, તેથી તાત્કાલિક માસ પ્રમોશનની જાહેરાત કરવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 10ની કાલથી શરૂ થનારી પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ કરાઈ છે અને મુખ્ય પરીક્ષાઓ પૂરી થયા બાદ પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે એવો શિક્ષણ બોર્ડે નિર્ણય જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકાર શિક્ષણ બાબતના નિર્ણયોને લઈને અનેકવાર ગુલાટી મારી ચૂકી છે. ત્યારે કોરોના ની હાલમાં કપરી પરિસ્થિતિ છે. બીજી બાજુ ખુદ પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી સાથેની બેઠકમાં સી બી એસ સી બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે તમામ પરિસ્થિતિઓ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકારે પણ હવે પોતાનો નિર્ણય જાહેર કરી દેવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જે અસમંજસ પ્રવર્તી રહી છે તેને લઈને સમાધાન મળી રહે. હાલમાં ગુજરાતમાં એક બાજુ હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સીજન નો અભાવ છે, ઇન્જેક્શનો મળતા નથી ત્યાં જો સરકાર પરીક્ષા લે તો કદાચ વિદ્યાર્થીઓ જો સંક્રમિત થાય તો આગામી સમયમાં ગુજરાતી ઘણું બધું સહન કરવાનો વારો આવી શકે છે. જે વાત સરકાર ખૂબ સારી રીતે જાણે છે તેથી સરકારે ' વાળ્યા ના વળે પણ હાર્યા વળે ' એ ઉક્તિને સાર્થક કરવાને બદલે ઝડપથી પોતાનો નિર્ણય જાહેર કરવો જોઈએ.