ઊંઝા : ભાજપે સમાજવાદ, સગાવાદ તો ક્યાંક જૂથવાદને લીધે સહેલાઈથી જીતી શકાય એવી સીટો ગુમાવી પડી !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ પોતાના ચૂંટણી દરમિયાનનાં ભાષણોમાં જણાવ્યું હતું કે સગાવાદ,સમાજવાદ અને જૂથવાદ ને ચલાવી લેવામાં આવશે નહીં. પરંતુ સી આર પાટીલ ના આ શબ્દો કદાચ ખોટા પડતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે ભાજપમાં સગાવાદ સમાજવાદ અને જૂથવાદ આજે પણ એટલો જ છે જેટલો સી આર પાટીલ દ્વારા ઉચ્ચારાયેલ શબ્દ પહેલા હતો.
સગાવાદ સમાજવાદ અને જૂથવાદને કારણે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક મહત્વની સરળતાથી જીતી શકાય તેવી સીટો ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ ઊંઝા તાલુકા પંચાયતની 18 સીટોમાંથી 6 જેટલી સીટો ભાજપે ગુમાવી છે જેના પાછળ ક્યાંક ને ક્યાંક ટિકિટ ફાળવણીમાં સમાજવાદ,જૂથવાદ અને સગાવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઊંઝા તાલુકા પંચાયતની કામલી સીટ પર ભાજપના નેતાના સમાજના વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવતાં આ સીટ ભાજપે ગુમાવવી પડી. એટલું જ નહીં પરંતુ કહોડા અને કરલી સીટ ઉપર પણ આ જ સ્થિતિ સર્જાઇ હતી.
જો કે આ અંગે ભાજપની પ્રદેશ નેતાગીરીએ પણ નોંધ લીધી છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના જ એક વર્તમાન સમયના બિન હોદ્દેદાર નેતાએ ઊંઝા ની ટિકિટ ફાળવણીમાં વધારે રસ દાખવ્યો હોવાનું મનાય છે. જેને પરિણામે ટિકિટ ફાળવણીમાં ક્યાંકને ક્યાંક સગાવાદ તો ક્યાંક સમાજવાદ તો ક્યાંક જૂથવાદ જેવા પરિબળો કામ કરી ગયા અને ભાજપે સરળતાથી જીતી શકાય તેવી 6 જેટલી સીટો ગુમાવવાનો વારો આવ્યો.