Exclusive : ઊંઝા નગર પાલિકા અને સુરત મહાનગર પાલિકામાં શુ છે સામ્યતા ? ભાજપ શાસિત બંને ન.પા.ઓ કઈ બાબતોને લઈ છે વિવાદોમાં ?
ઊંઝા ન.પા માં હાલ રોજમદાર સફાઈ કર્મીઓનો સળગતો પ્રશ્ન છે તો વળી હોર્ડીગ્સ ને લઈ વિવાદ છે.
સુરત મહાનગર પાલિકામાં સોનાની લગડી સમાન પ્લોટ વેચી દેવાનો વિવાદ છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાતની એકમાત્ર એવી નગરપાલિકા છે જ્યાં ચીફ ઓફિસર બદલવાનો કદાચ રેકોર્ડ બન્યો હશે. ઉત્તર ગુજરાતની રાજનીતિ નું કેન્દ્ર ગણાતા ઊંઝા માં નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સતત ચીફ ઓફિસરો બદલાયા કરે છે જેને લઇને એવા તર્ક વિતર્ક જાગ્યા છે કે વારંવાર ચીફ ઓફિસરો બદલવાની જરૂર શા માટે પડે છે ?
ઊંઝા નગર પાલીકામાં હાલમાં અલ્પ બહુમતી ધરાવતા ભાજપનું શાસન છે. જોકે જ્યારથી ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ઊંઝા નગરપાલિકા કોઈને કોઈ પ્રકારે વિવાદોમાં સતત ઘેરાયેલી રહી છે. એટલું જ નહીં પરંતુ ઊંઝા નગર પાલીકામાં હાલમાં વહીવટનો દોરીસંચાર કોના હાથમાં છે એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે. કારણકે કોઈપણ માહિતી માટે જ્યારે ઊંઝા નગરપાલિકાના પ્રમુખને પૂછવામાં આવે છે તો તેઓ માત્ર એક જ જવાબ આપે છે કે, " મને ખબર નથી, પૂછીને જણાવીશ." ત્યારે સવાલ એ થાય છે કે ખબર કોને છે ? નગર પાલિકાનો વહીવટ કોના ઇશારે ચાલે છે ?
ઊંઝા નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકા વચ્ચે સામ્યતા એ છે કે સુરત મહાનગરપાલિકા માં મેયર તરીકે મહિલા છે તો ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મહિલા છે. અને આ બંને સત્તાધીશો એવા છે જેમને નગરપાલિકા માં શું ચાલી રહ્યું છે એની કદાચ ભાગ્યે જ ખબર હોય છે. તો વળી બંન્ને નગરપાલિકાઓમાં વહીવટનો દોરીસંચાર ક્યાંકને ક્યાંક પરોક્ષ રીતે થઈ રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને ઊંઝા નગર પાલિકામાં વિરોધ પક્ષ ખૂબ જ સબળ છે. સુરત મહાનગરપાલિકામાં પણ આ વખતે ભાજપનું શાસન હોવા છતાં કેટલાક વિવાદોને લઈને ચર્ચાસ્પદ બની છે.
જોકે ઊંઝા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચીફ ઓફિસરોની સતત બદલી જ થયા કરે છે. અત્યાર સુધીમાં કદાચ ઊંઝા નગરપાલિકા માં ત્રણ થી ચાર જેટલા ચીફ ઓફિસરોની અવારનવાર બદલી થઈ હશે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ચીફ ઓફિસરો પોતાની જાતે જ ઊંઝા નગરપાલિકામાંથી બદલી કરાવવા ઇચ્છતા હોય છે કે પછી ચીફ ઓફિસર પર સ્થાનિક નેતાઓનું કોઈને કોઈ પ્રકારનું દબાણ આવતું હોય છે ? જેને લીધે તેઓ રાજકીય વિવાદોમાં ફસાવવાને બદલે વહીવટી બાબતોમાં થી છુટકારો મેળવી અન્ય ટ્રાન્સફર ઈચ્છતા હોય છે ?