Exclusive : સાચું કોણ ? નીતિન પટેલ કહે છે AAP ની નોંધ નથી લેવાતી : સી.આર.પાટીલે 2022 માટે ભાજપના જ નેતાઓ સામે ફેંક્યો મોટો પડકાર

Exclusive : સાચું કોણ ? નીતિન પટેલ કહે છે AAP ની નોંધ નથી લેવાતી : સી.આર.પાટીલે 2022 માટે ભાજપના જ નેતાઓ સામે ફેંક્યો મોટો પડકાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ગઈકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને દેશના સૌથી સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી એવા મનીષ સિસોદિયાજી સુરતમાં આવ્યા હતા અને સુરતમાં તેમના હસ્તે ગુજરાતના નામાંકિત તેમજ સુરતના અગ્રણી સમાજ સેવક ગણાતા ત્રણ હજાર કરતા વધારે દીકરીઓના પિતા મહેશ સવાણીએ ભાજપનો સાથ છોડી AAP નો ખેસ ધારણ કરતા ગુજરાતના રાજકારણમાં આ ઘટનાની મોટી નોંધ લેવામાં આવી છે.

જોકે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા જતા વર્ચસ્વને જોઈને ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. પરંતુ સત્ય નહીં સ્વીકારવા માટે ટેવાયેલા ભાજપના કેટલાક નેતાઓએ અંદરના ડરને છુપાવવા માટે મીડિયા સમક્ષ નિવેદન પ્રગટ કરીને પોતે હાસ્યાસ્પદ બન્યા છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સામે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કોઇ નોંધ લેતું નથી." જ્યારે તેમના જ પ્રદેશપ્રમુખ આર પાટીલે જાહેર સભામાં સ્વીકાર્યું હતું કે, "સુરતમાં સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે." પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી ના આ નિવેદનો એકબીજાથી વિરોધાભાસી માનસિકતા સ્પષ્ટ કરી રહ્યા છે. જોકે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હંમેશા વાસ્તવિકતાને સ્વીકારવાથી ટેવાયેલા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી હંમેશા વાસ્તવિકતા નો ડર અનુભવતા હાસ્યાસ્પદ નિવેદનો આપતા હોય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહે છે કે, ગુજરાતમાં કોઈ આપની નોંધ લેતું નથી. તો બીજી બાજુ હકીકત એવી છે કે સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તે 23 જેટલા નગરસેવકો ચૂંટાયા છે અને આ નગરસેવકોની કામગીરીની સુવાસ સમગ્ર રાજ્યમાં પ્રસરી છે. જેને લઇને સમગ્ર રાજ્યમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના ગઢ માંથી ત્રણ હજાર કરતાં વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે. ત્યારે નીતિન પટેલના નિવેદન કેટલે અંશે યોગ્ય છે તેના વિશે ભાજપના નેતાઓએ જ મનોમંથન કરવું રહ્યું !

બીજી બાજુ ગઈકાલે ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે એક કાર્યક્રમ દરમિયાન પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે ભાજપના નેતાઓનો ઉધડો લીધો હતો અને જાહેર મંચ પરથી તેમણે એવું કહ્યું હતું કે,  ભાજપના કોઇ નેતા માં એટલી તાકાત નથી કે મોદીના નામ સિવાય ચૂંટણી જીતી શકે. જો કે તેમણે તેમના સંબોધનમાં કાર્યકર્તાઓની કામગીરીને મહત્વ આપ્યું હતું. જ્યારે નેતાઓ માત્ર મોદીના નામે જ ચૂંટણી જીતતા હોવાનું તેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું. સી.આર.પાટીલ નું નિવેદન ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત હાલના ચૂંટણી જીતેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે એક મોટો પડકાર બની રહેશે...!