ધો.10 માં માસ પ્રમોશન ના નિર્ણય પાછળનું સત્ય જાણી તમે પણ ચોંકી જશો, માંડે માંડે આ નિર્ણય કેમ લેવાયો ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 10 ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો ઉતાવળિયો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કેટલાક લોકો આવકારી રહ્યા છે તો કેટલાક લોકો આ નિર્ણયને ઉતાવળિયો નિર્ણય ગણાવી રહ્યા છે. કારણ કે સરકાર દ્વારા આ નિર્ણય બોર્ડના અધિકારીઓ, શિક્ષણ વિભાગના તજજ્ઞો અને વાલી મંડળોને અંધારામાં રાખીને લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી નથી પરંતુ પરીક્ષાને મુલતવી રાખવામાં આવી છે અને પરિસ્થિતિ સુધરતા પરીક્ષા લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર કે જે હંમેશા ઉતાવળીયા નિર્ણયો લેવા માટે બદનામ છે એવી આ અનિર્ણિત સરકારે ધોરણ ૧૦ની પરીક્ષા મા માસ પ્રમોશન નો ઉતાવળિયો નિર્ણય લઈને શું સાબિત કરવા માંગી રહી છે એને લઈને પણ અનેક સવાલો ઉઠયા છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે દિલ્હી હાઇકમાન્ડની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોઇ શકે છે. કારણ કે એક બાજુ બોર્ડની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ ચાલુ હતી ત્યાં જ એકાએક સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે ત્યારે અનેક અટકળો શરૂ થઈ છે.
અત્રે નોંધનીય છે કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં ન આવે. પરંતુ આ પરીક્ષા શાળા કક્ષાએ યોજવામાં આવે છે. જેમાં એમસીક્યુ પ્રકારની પરીક્ષાનું આયોજન કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ કે જેમણે આખું વર્ષ તનતોડ મહેનત કરી છે એમને એમની મહેનતનું સાચા અર્થમાં પરિણામ પ્રાપ્ત થઈ શકે. જોકે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માં પણ 'કહી ખુશી, કહી ગમ' નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે વિદ્યાર્થીઓએ આખુ વર્ષ મહેનત કરી છે એવા વિદ્યાર્થીઓ સરકારના નિર્ણયને મૂર્ખામીભર્યા ગણાવી રહ્યા છે. એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારમાં વાલીઓએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોંઘા ટ્યુશનોને લઈ આર્થિક ભારણ સહન કર્યું છે. ત્યારે બોર્ડનો આ માસ પ્રમોશન આપવાનો ઉતાવળિયો નિર્ણય કેટલે અંશે યોગ્ય ગણાય તેને લઈને પણ અનેક સવાલો ઉઠયા છે.