Big Breaking : ધો.10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય, ધો.12 ની બોર્ડ પરીક્ષાને લઈ બોર્ડ સચિવે શુ કહ્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોના ની પરિસ્થિતિ ને લઈને છેલ્લા ઘણા સમયથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજવી તેને લઈને સરકાર અસમંજસ પરિસ્થિતિમાં હતી.રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ જે તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કરેલો હતો.
ત્યારે આખરે કોરોનાની પરિસ્થિતીમાં મોટો ફરક નહીં પડતા ગુજરાત સરકારે ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે શિક્ષણમંત્રી અને સીએમની કોર કિમિટીની બેઠકમાં ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે સવાલ ખડો થયો છે કે શું ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ ? પરીક્ષા લેવાશે તો ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે ? તેને લઈને વિધાર્થીઓમાં કુતુહલતા જાગી છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા બોર્ડ સચિવ ડી એસ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું હવે શું થશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે ધોરણ12ની પરીક્ષા અને ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી સમયમાં પરિસ્થિતિ થાળે પડતાં યોજાશે. વધુમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10માં માસ પ્રમોશન આપવાની પરિણામે ધોરણ ૧૧માં એડમિશન ને લઈને કેટલીક સમસ્યાઓ ઉદભવી શકે છે પરંતુ સરકાર દ્વારા તેનું પણ નિરાકરણ કરવામાં આવશે.
રાજ્યની કુલ ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. જ્યારે રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશન અપાશે.અંતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે.