સુરત : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ પાલિકા કમિશ્નરે જનતાને 45 દિવસ સુધી શુ કરવા કરી અપીલ ?

સુરત : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ પાલિકા કમિશ્નરે જનતાને 45 દિવસ સુધી શુ કરવા કરી અપીલ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  શહેરમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે ત્યારે પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ ચેતવણી આપી છે કે કોરોનાથી બચવા માટે આગામી ૪૫ દિવસ ખાસ તકેદારી આવશ્યક છે . અગાઉ જે લોકોને કોરોના થયો હોય તેવા લોકો ફરી સંક્રમિત થઇ રહ્યા છે . આ સંજોગોમાં કોઇએ ભ્રમમાં રહેવું ન જોઇએ .

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ મીડિયાને જણાવ્યું હતું કે શહેરમાં કેસ વધી રહ્યા છે તેમાં કોઇ બેમત નથી ઓમિક્રોન અંગે અલગ અલગ વાતો વહેતી થઇ છે. જેમાં મુખ્યત્વે લોકોમાં એવી ચર્ચા છે કે ઓમિક્રોન ને કારણે ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી નથી . આ અંગે કઇ કહેવું હજુ વહેલું છે. અગાઉ કોરોના થયો હોય તેવા લોકોને બીજી વખત કોરોના ચેપ નહીં લાગે એ જરૂરી નથી. આવા સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે . આજની સ્થિતિમાં લોકો ૪૫ દિવસ સુધી ખાસ તકેદારી રાખે. માસ્ક અચૂક પહેરે. 

વધુમાં કમિશ્નરે જણાવેલ કે, ભીડભાડ વાળો વરાછા વિસ્તાર પણ હવે ઝડપથી સંક્રમિત થવા માંડ્યો છે. અઠવા અને રાંદેર ઝોન ઉપરાંત વરાછા ઝોનમાં ૩૪ કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં અત્યાર સુધી અઠવા અને રાંદેર ઝોન સિવાયના અન્ય વિસ્તારોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઓછી હતી , પરંતુ આજે એક જ દિવસમાં વરાછા ઝોનમાં ૩૪ નવા કેસ નોંધાયા છે . વરાછા , કતારગામ ઉધના અને લિંબાયત ઝોનમાં પણ હવે નવા કેસ વધે તેવી સંભાવનાને પગલે પાલિકાએ ટેસ્ટિંગ કામગીરી વધારી છે .

કમિશ્નરે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, લોકો ભીડ વાળી જગ્યા પર જવાનું ટાળે.  જાહેર સ્થળોએ માસ્ક વગર નહીં જાય તથા વેક્સિનના બંને ડોઝ અચૂક મુકાવે . આગામી ૪૫ દિવસ સુધી જે લોકો કાળજી નહી લે તેમને કોરોના થવાની પૂરેપૂરી સંભાવના છે . આ સમય ખૂબ અગત્યનો હોવાથી દરેક લોકો તે અંગે ગંભીરતાથી વિચારી પૂરતી કાળજી લે.