સુરતમાં સફાઈ કર્મીઓનું સન્માન : કચરો કરનાર 'કચરાવાળો', સફાઈ કર્મીઓ સાચા કર્મયોગી : મ્યુનિસિપલ કમિશ્નર
સફાઇમિત્રોનું સન્માન: પ્રથમ દિવસે 3 હજાર સફાઈકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સતત બીજા વર્ષે સુરતને દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર બનાવનારા સફાઇમિત્રોનું સન્માન
સિદ્ધિઓમાં સુરતીઓને પહેલાં ક્રમે રહેવાની ટેવ છે, આવતા વર્ષે સ્વચ્છતામાં પહેલો નંબર પાક્કો : પાટીલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતને દ્વિતીય ક્રમનું સૌથી સ્વચ્છ શહેરનું બિરૂદ અપાવવામાં યોગદાન આપનારા પાલિકાના 6,050 સફાઇ કર્મયોગીઓ પૈકી 3 હજારનું પ્રથમ દિવસે ઇન્ડોર સ્ટેડિયમમાં જાહેર સન્માન કરાયું હતું. આ પ્રસંગે સફાઇ સૈનિકો પાસે આગામી વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો ક્રમ હાંસલ કરવાનો સંપલ્પ સાંસદ સી.આર. પાટીલ દ્વારા લેવડાવાયો હતો. પાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ સફાઇ સેવકોને બિરદાવતા કહ્યું કે, ‘કચરાવાળો કહીને તેને બોલાવો જે કચરો ફેંકે છે, તેની સફાઇ કરનારા તો સફાઇ મિત્ર છે.’
પ્લેગ પહેલાં સુરત ગંદકી માટે જાણીતું હતું: પાટીલ
સફાઇ કર્મયોગીઓને સંબોધતા સાંસદ સી.આર. પાટીલે કહ્યું હતું કે, પ્લેગ પહેલાં સુરત શહેરમાં ખુલ્લી ગટરો વહેતી હતી. જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલાં જ દેખાતા હતાં. જોકે તે પછી સફાઇ સેવકોના યોગદાનથી શહેર દર વર્ષે સ્વચ્છતાનો એવોર્ડ મેળવતો થયો છે. ‘સિદ્ધિઓમાં સુરતીઓને પહેલાં ક્રમે રહેવાની ટેવ છે, એટલે આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલા નંબર પાક્કો’ કહી સફાઇ મિત્રોનો આ દિશામાં સહકાર માંગ્યો હતો.
રિસાઈકલથી પાણી બચશે.
પાલિકા કમિશનરે કહ્યું કે, રિસાયકલ મશીન પ્રતિ મિનિટે 400 લીટર ગંદા પાણીને જેટિંગ કરશે. લોકાર્પિત કરાયેલા 4 રિસાયકલ મશીનથી દર વર્ષે 10 કરોડ લીટર પાણીની બચત થવાની સાથે ડ્રેનેજ નેટવર્કના મેઇન્ટેનન્સમાં ઘટાડો થશે.
આ સમારોહમાં મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ સમિતીના ચેરમેનશ્રીઓ, નગરસેવકો, કમિશનરશ્રી અને ઉચ્ચ અધિકારીશ્રીઓ, તેમજ સ્વચ્છતાના કર્મયોગી ભાઈઓ - બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.