ઊંઝા : પાલિકાનો વિવાદ વકર્યો : કારોબારી ચેરમેનના સૂર બદલાયા : ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને છાવરવાનો છૂપો પ્રયાસ ?
મીડિયામાં છપાયેલ અહેવાલ ખોટો : કારોબારી ચેરમેન પ્રીતેશ પટેલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ- સુના સો ચુના) : ઊંઝામાં ફૂલકું વ્હેળા ના ફેઝ-2 ના નવનીતમ આરસીસી સંરક્ષણ દિવાલ તેમજ તળિયું નાખવાના કામમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પાલિકાના વિપક્ષના નગરસેવક ભાવેશ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઇને પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઊંઝા નગરપાલિકાના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા.
આ સમાચારોથી સફાળું બનેલું નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને તાજેતરમાં સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં વધારાના મુદ્દા તરીકે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાતના એક પ્રસિદ્ધ સમાચાર પત્રમાં એવો અહેવાલ છપાયો હતો કે ' કામગીરી ડીસ્કોલીફાઈડ કરી કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત કરવાનો પાલિકાનો નિર્ણય.' અહેવાલ પ્રસિદ્ધ કરનાર અખબારને માહિતી નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રિતેશ પટેલે આપી હોવાનો મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ અંગે જ્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પ્રિતેશ પટેલ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આપેલો જવાબ ખરેખર ચોકાવનારો હતો.
મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે મીડિયામાં છપાયેલો અહેવાલ ખોટો છે હજુ સુધી પાલિકાએ આવો કોઈ નિર્ણય લીધો નથી. એટલું જ નહીં પરંતુ બેઠકમાં માત્ર અને માત્ર એક વધારાના મુદ્દા તરીકે ચર્ચા કરાઈ હતી. હજુ આ અંગે અમો પાલિકા દ્વારા જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટરને બોલાવીને તેમને પૂછવામાં આવશે. અને તેમની વાતોને પણ સાંભળવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પ્રિતેશ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર પોતે હયાત ન હોઇ આ કામગીરી કરતો નથી પરંતુ બીજા પાસે આ કામગીરી કરાવવામાં આવી રહી છે ત્યારે વાયરલ વીડિયોનું સત્ય શું છે તે અંગે માહિતી મેળવીને પછી પાલિકા યોગ્ય નિર્ણય કરશે.
ત્યારે માત્ર 24 કલાકમાં જ મીડિયાને આપેલા નિવેદનોમાં પાલિકાના સુર બદલાઈ ગયા છે ત્યારે આ અંગે અનેક તર્ક વી તર્ક શરૂ થયા છે. એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે શું હજુ પણ પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચારનાર કોન્ટ્રાક્ટરને છાવરવા માટેના વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે કે કેમ ?
વિપક્ષ નેતા શુ કહે છે ?
ઊંઝા નગરપાલિકાના વિપક્ષનેતા ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, " ઊંઝા નગરપાલિકા બાંધકામ ખાતા લગત વરસાદી પાણીના ફુલકું વહેરાના ફેઝ-2 ના નવ નિર્મિત RCC સંરક્ષણ દિવાલની કામની સમીક્ષા અર્થે સ્થળ તપાસ ખૂબજ મોટા પ્રમાણમાં હાલકી ગુણવત્તાનું કામ નજરે પડેલ જે કામ હાથના સ્પર્શ થી RCC દિવાલ વિખેરવા લાગી,ભ્રષ્ટાચાર મોડલનો ઉત્તમ નમૂનો સૌ કોઈ એ મીડિયાના માધ્યમથી જોયો છે, તેમ છતાં વિવાદોમાં ચર્ચાયેલા ઊંઝા નગરપાલિકાના મુઠ્ઠી પર વહીવટી સત્તાધીશો પોતાના અંગત લાભ માટે કોન્ટ્રાક્ટર સાથે સેટલમેન્ટ કરે તેવું વર્તાઈ રહ્યું છે , સમગ્ર વિપક્ષ ટીમ કાયદાકીય રીતે સંસ્થા તેમજ નગરજનોના હિતમાં કર્યો કરવા મક્કમ છે."
મિત્રો સમગ્ર અહેવાલ વાંચ્યા બાદ નીચે આપેલા ઈમોજીસમાં આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં આપનો પ્રતિભાવ અમારા માટે અતિ મહત્વનો છે.